ભાવનગરના આંગણે ઉડ્ડયન ક્રાંતિ: 29 માર્ચથી નવી મુંબઈની નિયમિત ફ્લાઈટ શરૂ
ભાવનગર, 28 માર્ચ 2026: ગોહિલવાડના આંગણે હવાઈ સેવાના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો આગામી 29 માર્ચ, રવિવારથી વિધિવત પ્રારંભ થશે. ભાવનગર એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી આ ઉડાનને લીલી ઝંડી આપવા ખાસ ઉપસ્થિત રહેશે.
ભાવનગર એરપોર્ટના ડિરેક્ટર તપન નાયકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ રવિવારે ભાવનગર પધારી રહ્યા છે. તેઓ નવી મુંબઈની પ્રથમ ફ્લાઈટને ફ્લેગ-ઓફ કરાવી સેવાનો શુભારંભ કરાવશે. કેન્દ્રીય મંત્રીની હાજરી એ પુરવાર કરે છે કે કેન્દ્ર સરકાર ભાવનગરના આર્થિક અને પ્રાદેશિક વિકાસને વિશેષ મહત્વ આપી રહી છે.
ભાવનગરની વિમાની સેવાને પુનઃ જીવંત કરવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયા સતત પ્રયત્નશીલ હતા. તેમના આક્રમક રજૂઆતો અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના સક્રિય સહયોગના પરિણામે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ શરૂ કરવામાં આવ્યો છે.
નવી સેવાની વિગતો આપતા એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું કે: રવિવારે સવારે 8.35 કલાકે ભાવનગરથી નવી મુંબઈ માટે પ્રથમ ફ્લાઈટ રવાના થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સવાર અને સાંજ એમ દિવસમાં બે વખત નિયમિત ફેરા કરવામાં આવશે. નવી મુંબઈ સાથે જોડાવાથી ભાવનગરના મુસાફરોને દેશના અન્ય મહાનગરોમાં જવા માટે વધુ સરળતા રહેશે.
આ હવાઈ સેવા શરૂ થવાથી ભાવનગરના હીરા ઉદ્યોગ, શિપ બ્રેકિંગ યાર્ડ અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. મુંબઈ સાથેના સીધા જોડાણને કારણે વેપારીઓનો સમય બચશે અને ભાવનગરની આર્થિક ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થશે.
આ પણ વાંચોઃ ઓડિશાના નયાગઢમાં ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત, 40 થી વધુ ઘાયલ


