
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા બાદ મ્યુનિનું તંત્ર સફાળું જાગ્યુ છે. જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરને પકડવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા રખડતા ઢોરને લઈ તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઇ અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવેથી શહેરમાં રખડતા ઢોરને લઈ અને કડક પગલાં લેવામાં આવશે. જેમાં શહેરમાં હવે ઘાસચારો લાવી શકાશે નહીં. અમદાવાદમાં જ્યાં પણ ઘાસચારો સંગ્રહ કરવાની જગ્યાઓ અને ગોડાઉનો હશે તેને પોલીસ સાથે રાખી અને સીલ કરવાના રહેશે.
અમદાવાદ શહેરમાં ઘાસચારા લાવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. શહેરમાં ઘાસચારો લાવતી ગાડીઓને પોલીસ સાથે રહી અને ડિટેઇન કરવામાં આવશે. શહેરમાં 59 જેટલા વિવિધ સ્થળો અને રસ્તાઓ કેટલ ન્યૂસન્સ પોઇન્ટ છે, તેને કાયમી ધોરણે દૂર કરવા માટે સુચના આપવામાં આવી છે. દરેક ઝોનની ટીમ બે શિફ્ટમાં કામગીરી કરશે. પ્રત્યેક ટીમ દ્વારા શિફ્ટ દરમિયાન 8 થી 10 ઢોર પકડવાના ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા મામલે એક્શન પ્લાન તો કરવામાં આવ્યો છે, જે તે અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ ખરેખર આ એક્શન પ્લાન મુજબ કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રનું કોઈપણ જગ્યાએ સંકલન હોતું નથી. જે તે પોલીસ સ્ટેશનમાં પણ સ્થાનિક પીઆઇની જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી તેમાં કોઇ કાર્યવાહી થઇ નથી. એએમસીના અધિકારીઓ અને પોલીસ રખડતાં ઢોર મામલે ખરેખર હવે આ એક્શન પ્લાનનો અમલ કરાવશે કે પછી માત્ર કાગળ ઉપર જ આ કાર્યવાહી રહેશે.