1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશઃ શેખ હસીનાની અવામી લીગ પર 2026ની ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ
બાંગ્લાદેશઃ શેખ હસીનાની અવામી લીગ પર 2026ની ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ

બાંગ્લાદેશઃ શેખ હસીનાની અવામી લીગ પર 2026ની ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ

0
Social Share

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Bangladesh violence બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અંતરિમ સરકારે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફેબ્રુઆરી 2026માં યોજાનારી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં હિસ્સો લઈ શકશે નહીં. અંતરિમ સરકારના આ નિર્ણયથી બાંગ્લાદેશના રાજકારણમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે.

અંતરિમ સરકારના મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફીકુલ આલમે સત્તાવાર રીતે આ જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, “દેશમાં હાલમાં અવામી લીગની તમામ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નિયમ મુજબ, જે પક્ષોની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય, તેઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. આ કાયદા હેઠળ અવામી લીગને ચૂંટણીથી બહાર રાખવામાં આવશે.”

  • અમેરિકી દબાણના અહેવાલો નકાર્યા

સલાહકાર પરિષદની બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે પૂછ્યું કે, “શું અમેરિકાના કેટલાક સાંસદોએ અવામી લીગ પરના પ્રતિબંધ અંગે ચિંતા વ્યક્ત કરતો પત્ર મુખ્ય સલાહકારને મોકલ્યો છે?” તેના જવાબમાં શફીકુલ આલમે જણાવ્યું હતું કે, તેમને આવા કોઈ પત્ર વિશે જાણકારી નથી કે તેમણે આવો કોઈ પત્ર જોયો નથી. સરકાર પોતાના વલણ પર મક્કમ છે.

  • બાંગ્લાદેશના રાજકારણમાં મોટો વળાંક

અવામી લીગ દાયકાઓ સુધી બાંગ્લાદેશની સત્તા અને રાજકારણના કેન્દ્રમાં રહી છે. શેખ હસીનાના નેતૃત્વમાં આ પાર્ટીએ લાંબો સમય શાસન કર્યું છે, પરંતુ તાજેતરના વિરોધ પ્રદર્શનો અને હિંસા બાદ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો. હવે તેમની જ પાર્ટીને ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવાનો નિર્ણય એ વિરોધ પક્ષો અને બાંગ્લાદેશના ભવિષ્યના રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે ફેબ્રુઆરી 2026માં સામાન્ય ચૂંટણીઓ યોજવાનું આયોજન છે. જોકે, દેશની સૌથી જૂની અને મોટી પાર્ટી ગેરહાજર રહેવાથી આ ચૂંટણીઓની વિશ્વસનીયતા અને પરિણામો પર શું અસર પડશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ ભારતીય સેનાનો મોટો નિર્ણય: જવાનો સોશિયલ મીડિયાથી રહેશે દૂર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code