એઆર રહેમાનને સાંપ્રદાયિકતા વાળા નિવેદન મુદ્દે બાંગ્લાદેશી લેખિકાએ વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: જાણીતા સંગીતકાર એઆર રહેમાનના બોલિવૂડ અને સાંપ્રદાયિકતા અંગેના નિવેદને દેશમાં નવો વિવાદ છેડ્યો છે. રહેમાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે સાંપ્રદાયિક ભાવના હાવી થઈ રહી છે અને તેની અસર તેમના કામ પર પડી રહી છે. આટલું જ નહીં, તેમણે ફિલ્મ ‘છાવા‘ને પણ વિભાજનકારી ગણાવી હતી. જોકે, વિવાદ વધતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો. હવે આ મામલે બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને રહેમાનની આકરી ટીકા કરી છે.
બાંગ્લાદેશની નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને રહેમાનના નિવેદન સામે અસંમતિ વ્યક્ત કરી છે. તસ્લીમાએ લખ્યું કે, “એઆર રહેમાન મુસ્લિમ છે અને ભારતમાં અત્યંત પ્રખ્યાત છે. તેમની ફી અન્ય કલાકારો કરતા વધુ છે અને તેઓ કદાચ સૌથી ધનિક સંગીતકાર છે. તેમ છતાં તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે મુસ્લિમ હોવાને કારણે તેમને કામ નથી મળી રહ્યું, જે આશ્ચર્યજનક છે.”
તેમણે બોલિવૂડના સુપરસ્ટાર્સનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, “શાહરૂખ ખાન હજુ પણ બોલિવૂડનો બાદશાહ છે. સલમાન ખાન, આમિર ખાન, જાવેદ અખ્તર અને શબાના આઝમી જેવા તમામ કલાકારો સુપરસ્ટાર છે. પ્રખ્યાત અને અમીર લોકોને ક્યાંય મુશ્કેલી પડતી નથી, પછી ભલે તેઓ કોઈ પણ ધર્મ કે જાતિના હોય.”
પોતાના સંઘર્ષની વાત કરતા તસ્લીમાએ લખ્યું કે, “મુશ્કેલીઓ મારા જેવા લોકો માટે છે. હું નાસ્તિક હોવા છતાં મારા નામને કારણે મને મુસ્લિમ માનવામાં આવે છે. કોઈ મને એપાર્ટમેન્ટ ભાડે આપતું નથી, હોસ્પિટલમાં છેતરપિંડી થાય છે અને હૈદરાબાદમાં મારે માર ખાવો પડ્યો હતો. મને પશ્ચિમ બંગાળમાંથી બહાર કાઢી મૂકવામાં આવી છે. આ વાસ્તવિક સમસ્યાઓ છે જે રહેમાન કે બોલિવૂડના સ્ટાર્સના જીવનની આસપાસ પણ આવતી નથી.”
તસ્લીમાએ અંતમાં લખ્યું કે એઆર રહેમાનનું સન્માન હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, ખ્રિસ્તી અને નાસ્તિક – તમામ લોકો કરે છે. જ્યારે આખું ભારત તેમને આટલો પ્રેમ આપતું હોય, ત્યારે આ રીતે દયાપાત્ર બનવાનો પ્રયાસ કરવો અને આવી ટિપ્પણીઓ કરવી તેમને શોભા દેતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એઆર રહેમાને અગાઉ બીબીસી એશિયન નેટવર્કને આપેલા ઇન્ટરવ્યુમાં બોલિવૂડના બદલાતા માહોલ વિશે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તસ્લીમાના આ પલટવાર બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ‘ઇન્ડસ્ટ્રી અને ધર્મ’ અંગે ચર્ચાઓ જાગી છે.


