બાંગ્લાદેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ, હાદી હત્યાકાંડનો મુખ્ય આરોપી ફૈઝલ દુબઈમાં
નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશના રાજકારણને હચમચાવી દેનાર યુવા નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ફૈઝલ કરીમ મસૂદ પ્રથમ વખત જાહેરમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં મસૂદે દાવો કર્યો છે કે તે ભારત નહીં પણ હાલ દુબઈમાં છે. તેણે આ હત્યામાં પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કરતા આક્ષેપ કર્યો છે કે, આ હત્યા પાછળ ‘જમાત-એ-ઈસ્લામી’ અને તેની વિદ્યાર્થી પાંખ ‘છાત્ર શિબિર’ના લોકોનો હાથ હોઈ શકે છે. બાંગ્લાદેશના ઉચ્ચ પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે, ફૈઝલ ગેરકાયદે રીતે ભારતના મેઘાલયમાં ઘુસ્યાં છે. જો કે, હવે બાંગ્લાદેશ પોલીસના દાવાની પોલી ખુલી ગઈ છે.
ફૈઝલ મસૂદે વીડિયોમાં જણાવ્યું કે, તેના ઉસ્માન હાદી સાથે સંબંધો હતા પરંતુ તે માત્ર વ્યાપારિક હેતુ માટે હતા. ફૈઝલે કબૂલાત કરી કે, તેણે હાદીને ફંડ આપ્યું હતું, કારણ કે હાદીએ તેને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું વચન આપ્યું હતું. તેણે કહ્યું, “મેં હાદીની હત્યા નથી કરી. મારા પરિવારને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. વેરની રાજનીતિથી બચવા માટે હું અત્યારે દુબઈમાં છું.”
- હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળી હતી હિંસા
શેખ હસીના વિરોધી આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા ઉસ્માન હાદી પર 12 ડિસેમ્બરે ઢાકામાં જીવલેણ હુમલો થયો હતો. સિંગાપોરમાં સારવાર દરમિયાન 18 ડિસેમ્બરે તેનું નિધન થયું હતું. હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં ભારે હિંસા ફાટી નીકળી હતી, જેમાં મીડિયા હાઉસના દફતરો સળગાવવામાં આવ્યા હતા અને ભારતીય મિશન પર પણ પથ્થરમારો થયો હતો, જેના કારણે ભારતીય વિઝા સેન્ટર બંધ કરવાની નોબત આવી હતી.
બાંગ્લાદેશી પોલીસ અધિકારી એસ.એન. નઝરુલ ઈસ્લામે અગાઉ દાવો કર્યો હતો કે ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર શેખ હલુઆઘાટ સરહદેથી ગેરકાયદેસર રીતે ભારતના મેઘાલયમાં ઘૂસી ગયા છે. જોકે, હવે ફૈઝલે પોતે દુબઈમાં હોવાનો દાવો કરતા બાંગ્લાદેશી એજન્સીઓની તપાસ પર સવાલો ઉભા થયા છે. ફૈઝલની આઈટી (IT) ફર્મ હોવાનું અને પ્રમોશનના કામે તે હાદીને મળ્યો હોવાનું પણ તેણે વીડિયોમાં જણાવ્યું છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન: 150 કિલો વિસ્ફોટક સાથે બે શખ્સો ઝડપાયાં


