
ખાનગી યુનિવર્સિટીમાં હવે બીસીએ અને બીબીએની ફી સરકાર નક્કી કરશે, સંચાલકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બીસીએ અને બીબીએ સહિતના અભ્યાસક્રમોમાં મનમાની ફી લેવાતી હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાનગી યુનિવર્સિટીઓમાં ફીના માળખામાં એક સમાનતા જળવાતી નથી. જે યુનિવર્સિટીઓ પાસે પુરતું ઈન્ફાસ્ટ્રચર કે પુરતી ફેકલ્ટી નહોવા છતાંયે ફીનું ધોરણ ઊંચુ હોવાની સરકારને રજુઆત મળ્યા બાદ હવે આવતા વર્ષથી એટલે કે વર્ષ 2025-26ના શૈક્ષણિક સત્રથી ફી નિર્ધારણ કમિટી દ્વારા જે ફીનું ધોરણ નક્કી કરવામાં આવે તે પ્રમાણે જ બીસીએ અને બીબીએની ફી લઈ શકાશે.એવા સરકારના નિર્ણય સામે ખાનગી યુનિવર્સિટીઓના સંચાલકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે.
ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓમાં ચાલતા બીબીએ અને બીસીએના કોર્સિસને ફી રેગ્યુલેટરી કમિટી અંતર્ગત વર્ષ 2025-26થી આવરી લેવાશે. આ કોર્સિસમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ મારફત જ પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે. હાલ રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મનમાની ફી ઉઘરાવતી રહી હતી, પણ હવે તેમના ઉપર નિયંત્રણ આવશે. કહેવાય છે. કે,બીબીએના કોર્સની સરેરાશ ફી 60થી 90 હજાર છે તે ઘટનીને 20થી 40 હજાર થશે તેમજ બીસીએના કોર્સની સરેરાશ ફી 50થી 80 હજાર છે તે ઘટની 15થી 35 હજાર વચ્ચે આવી જશે. સરકારના આ નિર્ણયથી BBA-BCAનો અભ્યાસ કરવા ઈચ્છૂક 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળી શકશે. ફી નિર્ધારણ કમિટી ખાનગી યુનિવર્સિટીમાં સંલગ્ન અભ્યાસક્રમમાં ઈન્ફાસ્ટ્રકચર, ફેકલ્ટી અને ખર્ચની વિગતો તપાસીને ફીનું માળખુ તૈયાર કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોફેશનલ કોર્સિસમાં મેડિકલ, પેરામેડિકલ, ઈજનેરી, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ અને અન્ય કોર્સિસનો સમાવેશ થયેલો છે. રાજ્યમાં હાલ બીબીએની 15 હજાર બેઠકો છે જેમાં 1300 બેઠકો સરકારી અને 13,700 બેઠકો ખાનગી સંચાલકો પાસે છે. તેમજ બીસીએની 24 હજાર બેઠકો છે. જેમાં 1200 બેઠકો સરકારી અને 22,800 બેઠકો ખાનગી સંચાલકો પાસે છે. જાહેરનામુ બહાર પાડતા પહેલા સરકારે તમામ ખાનગી યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓની માહિતી મગાવી હતી, પણ 13 જેટલી યુનિવર્સિટીએ ડેટા આપ્યો નહોંતો. દરમિયાન ખાનગી યુનિવર્સિટીના સંચાલકો મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર દોડી ગયા હતા અને સરકારે બહાર પાડેલા જાહેરનામાનો સીધો વિરોધ કર્યો હતો. ખાનગી યુનિવર્સિટીઓને એડમિશન કમિટીની પ્રવેશ પ્રક્રિયા અને ફી રેગ્યુલેટરીના નિયંત્રણમાંથી બાકાત રાખવા લેખીત આવેદન આપ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, MBA અને MCA કોર્સિસની પ્રવેશ પ્રક્રિયા એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ) કરતી આવી છે, પણ એ જ કોર્સના બેચલર કોર્સ એવા બીબીએ અને બીસીએને તેમાથી બાકાત રાખવામાં આવ્યા હતા.