
પાલનપુરમાં ચોમાસાના આગમન પહેલા જર્જરિત મકાનો ઉતારી લેવા નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી
પાલનપુરઃ ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના ઘણા વિસ્તારમાં જર્જરિત મકાનો આવેલા છે. વરસાદમાં જર્જરિત મકાનોને કારણે કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે જર્જરિત હોય એવા મકાનમાલિકોને નોટિસ આપીને સત્વરે મકાનો ઉતારી લેવા સુચના આપવામાં આવી છે.
પાલનપુર શહેરમાં વર્ષોથી બંધ અનેક જર્જરીત મકાનોને વરસોથી નિયમિત નોટિસ અપાય છે. ગત વર્ષે 11 જેટલી જર્જરિત ઇમારતોને પાલિકાની નોટિસ બાદ ઉતારવામાં આવી હતી. તેવામાં શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં 40 વર્ષ પૂર્વે બનેલા દેવ ચેમ્બરમાં છજાના પોપડા તૂટી પડ્યા હતા.દેવ ચેમ્બરમાં વર્ષો પૂર્વે હીરાના કારખાના ચાલતા હતા. જે બાદ જુદા જુદા ગાળામાં કબજેદારો વરસોથી વસવાટ કરી રહ્યા છે. જે પૈકીના કેટલાકના છજા અત્યંત જોખમી બની ગયા છે. જોકે મૂળ માલિકનો અતો પતો ન હોવાથી આ અત્યંત જર્જરીત ઇમારતનું રિપેરીંગ કાર્ય પણ હાથ ધરાયું નથી. જે પરિવારો રહે છે તેઓ અંદરની દીવાલોને મરામત કરાવે છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં જર્જરિત ઇમારતો આવેલી છે. જેમાં જૂનાગંજ બજાર, મોટી બજાર, જીવા મહેતાનો માઢ, વેરાઈ માતાની મંદિરની બાજુમાં ચાર માળનું બંધ મકાન, ભરથારના થુંબડાના નાકે પથ્થર સડક, ખોડા લીમડા મંદિર પાછળનું મકાન, બક્ષીવાસ, શિવગીરી કોમ્પ્લેક્સ દિલ્હી ગેટ, ઢુંઢિયાવાડીમાં દેવ ચેમ્બર, કોહિનૂર બિલ્ડીંગ અને વિરલ ફ્લેટ વગેરેનો સમવેશ થાય છે. નગરપાલિકાના સત્તાધિશોએ જર્જરિત મકાનમાલિકોને નોટિસ પાઠવીને મકાનો ઉતારી લેવા માટે વિનંતી કરી છે.