
BSE અને NSEમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ. 4.33 લાખ કરોડનું ધોવાણ
મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત વધારા વચ્ચે આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે જ બીએસસી લાલ નિશાન ઉપર ખુલ્યું હતું. 1000થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે ખુલેલુ BSE લગભગ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે NSEમાં પણ 473 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. BSE અને NSEમાં રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. એક અંદાજ અનુસાર રોકાણકારોના રૂ. 4.33 લાખ કરોડનું ધોવાણ થયું હતું. જ્યારે બે દિવસમાં રોકાણકારોએ લગભગ 5.48 લાખ ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે.
સતત રેકોર્ડ ઉછાળો નોંધાવી રહેલા ભારતીય શેરબજારમાં બુધવારે મોટો ઘટાડો નોંધાયો હતો અને અચાનક મોટો કડાકો નોંધાયો હતો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ 1,628.01 પોઈન્ટ અથવા 2.22% ઘટીને 71,500.76 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 473.35 પોઈન્ટ અથવા 2.15% લપસીને 21,558.95 ના સ્તર પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન બજારમાં બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
16મીં જાન્યુઆરીના રોજ BSEમાં લિસ્ટેડ તમામ શેરની કુલ માર્કેટ કેપ રૂ. 376.09 લાખ કરોડ હતી. જે આજે બુધવારે ઘટીને લગભગ 370.62 લાખ કરોડ ઉપર પહોંચી હતી. આમ રોકાણકારોની મુલકત લગભગ 4.33 લાખ કરોડ જેટલી ઘટી હતી.જ્યારે 15મી જાન્યુઆરીના રોજ માર્કેટનો આ આંકડો 376.10 લાખ કરોડ હતો. આમ બે દિવસમાં જ માર્કેટમાં મંદીને પગલે રોકાણકારોએ રૂ. 5.48 લાખ કરોડ ગુમાવ્યાં છે.