
બંગાળની ચૂંટણી પહેલા ભાજપ એકશન મોડમાં, બુરખો પહેરીને મતદાન કરનાર મહિલા મતદારોને વેરિફાઈ કરવાની માંગણી
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતાવર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા અત્યારથી જ બંગાળની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશ નજીક આવેલા પશ્ચિમ બંગાળ સરહદના વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે. દરમિયાન બીજેપીએ હવે ચૂંટણી પંચને પત્ર લખીને બુરખો પહેરીને વોટ નાંખનારા મતદારોને વેરિફાઈ કરવાની માંગણી કરી છે.
ચૂંટણી પંચને ભાજપે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મહિલાઓ બુરખો પહેરીને જ વોટ નાંખે છે. સેન્ટ્રલ પોલીસ ફૉર્સના જવાન માટે બૂથમાં એન્ટ્રી પહેલા ઓળખ સ્પષ્ટ કરવી સંભવ નથી હોતી. જેથી પોલિંગ બૂથ પર મહિલા સુરક્ષા જવાનોની સંખ્યા વધારવી જોઈએ. આ ઉપરાંત બાંગ્લાદેશ બોર્ડર નજીકના ગામોમાં મતદારોની સંખ્યામાં વધારો થયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. કસબા, સોનારપુર, મેતિયાબ્રૂઝમાં મતદારોની સંખ્યામાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. આ તમામ વિધાનસભાઓમાં કોઈ નવી ટાઉનશિપ અથવા વસવાટ પણ નથી થયો, તેમ છતા વોટર્સની સંખ્યામાં વધારો શંકા પેદા કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર થવાની શકયતા છે. ભાજપ દ્વારા બંગાળમાં જીવતા માટે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. તેમજ કાર્યકરોને મતદારો સુધી પહોંચવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસમાં જ અંદરખાને ખેંચતાણ વધી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે.