ઈરાનમાં લોહિયાળ જંગ: દેખાવોમાં અત્યાર સુધી 2,500થી વધુના મોત
તહેરાન, 14 જાન્યુઆરી 2026: ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના તાજેતરના અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ લોહિયાળ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને લાલ આંખ કરી છે અને પ્રદર્શનકારીઓને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન ‘હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી’ (HRANA) ના જણાવ્યા અનુસાર, ઈરાનમાં ચાલી રહેલા આંદોલનમાં મરનારાઓની સંખ્યા વધીને 2,571 થઈ ગઈ છે. કેટલાક સ્વતંત્ર અહેવાલો આ આંકડો હજુ પણ વધુ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ, ઈરાનના સરકારી ટેલિવિઝને સ્વીકાર્યું છે કે દેશને મોટું નુકસાન થયું છે. ઈરાનના માર્ટર્સ ફાઉન્ડેશનના વડા અહમદ મૌસવીએ આ હિંસા માટે સશસ્ત્ર આતંકવાદી જૂથોને જવાબદાર ઠેરવ્યા છે, જ્યારે વિશ્વભરની માનવાધિકાર સંસ્થાઓ ઈરાની સુરક્ષા દળોની નિર્મમ કાર્યવાહીને દોષી ગણાવી રહી છે.
આ પણ વાંચોઃ ઉત્તર ભારત ઠુંઠરાયું: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાતિલ શીતલહેરની આગાહી
ઈરાનમાં થઈ રહેલા નરસંહાર પર પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાની સરકારને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, નિર્દોષ પ્રદર્શનકારીઓની હત્યા કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ટ્રમ્પે ઈરાની જનતાને સંબોધતા વિશ્વાસ અપાવ્યો કે, “મદદ રસ્તામાં છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી હત્યાકાંડ બંધ નહીં થાય ત્યાં સુધી અમેરિકા ઈરાન સાથે કોઈ પણ મુદ્દે વાટાઘાટો કરશે નહીં.
નિષ્ણાતોના મતે, ઈરાનમાં મોંઘવારી અને તાનાશાહી વિરુદ્ધ શરૂ થયેલું આ આંદોલન હવે સત્તા પરિવર્તનની લડાઈ બની ગયું છે. ઈરાન સરકાર આ વિરોધને દબાવવા માટે સૈન્યનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પર પ્રતિબંધોનું જોખમ વધી રહ્યું છે. ટ્રમ્પના ‘મેક ઈરાન ગ્રેટ અગેન’ ના નારાએ ઈરાન સરકારની ઊંઘ હરામ કરી દીધી છે.
આ પણ વાંચોઃભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી


