 
                                    પેરિસ-મુંબઈ વિસ્તારા ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
મુંબઈઃ ફ્રાન્સની રાજધાની પેરિસથી 306 જેટલા પ્રવાસીઓને લઈને મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ તરત જ પ્લેન આવે તે પહેલા મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી મુંબઈ જતી ફ્લાઈટ UK 024માં એર સિકનેસ બેગ પર બોમ્બની ધમકીવાળી એક નોંધ મળી આવી હતી. ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઈટ સવારે 10:19 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. પેરિસ-મુંબઈ ફ્લાઈટમાં 294 મુસાફરો સાથે 12 ક્રૂ મેમ્બર હતા, એમ સૂત્રએ જણાવ્યું હતું.
એરલાઈન્સ કંપનીએ જણાવ્યું હતું કે, 2 જૂન, 2024ના રોજ પેરિસથી મુંબઈ સુધી ઓપરેટ થનારી એરલાઇનની ફ્લાઇટ UK 024માં મુસાફરી કરતી વખતે અમારા સ્ટાફ દ્વારા સુરક્ષાની ચિંતા ઊભી કરવામાં આવી હતી. પ્રોટોકોલને અનુસરીને એરલાઈને તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

