ઉત્તરાખંડ દુર્ઘટના બાદ બ્રિટન ભારતને તમામ શક્ય રીતે મદદ કરવા તૈયાર
- ઉતરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટના
- ભારતની મદદે આવ્યું બ્રિટન
- તમામ શક્ય રીતે મદદ કરવા તૈયાર
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના કારણે આવેલ આફતને લઈને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે ભારત સાથે એકતા દર્શાવી હતી. ગ્લેશિયર તૂટવાના કારણે સમગ્ર રાજ્યમાં ભારે પૂરનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નિપજ્યા હતાં. અને 170 લોકો ગુમ હોવાનું જણાવાયું છે. જોનસને કહ્યું કે, ઉત્તરાખંડની આ દુર્ઘટના બાદ બ્રિટન ભારતને તમામ શક્ય રીતે મદદ કરવા તૈયાર છે.
બોરીસ જોનસને પોતાના ટવિટમાં કહ્યું હતું કે,ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલ વિશાળ પૂરનો સામનો કરી રહેલા ભારતના લોકો અને ઉત્તરાખંડના બચાવકર્મીઓની સાથે મારી સંવેદના છે. સંકટ સમયે બ્રિટન ભારતની સાથે નિશ્ચિતપણે ઉભું છે, અને કોઈ પણ રીતે મદદ કરવા તૈયાર છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન-રૈણી વિસ્તારમાં ગ્લેશિયર ધરાશાયી થયા બાદ રવિવારે ધૌલીગંગા અને અલકનંદા નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ સાથે જ ઋષિગંગા વીજ પ્રોજેક્ટ અને આસપાસના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટના બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન,જાપાનના રાજદૂત સંતોષી સુઝુકી સહિત વિશ્વભરના ઘણા દિગ્ગજ નેતાઓએ ગ્લેશિયર તૂટવાની ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મેક્રોને ટવિટ કર્યું,ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદ ફ્રાન્સ સંપૂર્ણ રીતે ભારતની સાથે ઉભું છે,જેમાં 100 થી વધુ લોકો ગુમ થયા છે. અમારી સંવેદના તેમના અને તેમના પરિવાર સાથે છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે, અંદાજે 125 જેટલા લોકો ગુમ થયા હોવાનું અમારું અનુમાન છે. આ સંખ્યા હજી વધારે હોઈ શકે છે.
-દેવાંશી


