બ્રિટનના રાજા પ્રિન્સ ચાર્લ્સના ભાઈની ધરપકડ, એપસ્ટિન ફાઈલ્સમાં ચમક્યું હતું નામ
- એન્ડ્રુ માઉન્ટબેટન આજે તેમનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા ત્યારે જ થઈ ધરપકડ
લંડન, 19 ફેબ્રુઆરી, 2026: Epstein files – એપસ્ટિન ફાઈલ ખૂલ્યા પછી પ્રથમ વખત કોઈ સૌથી મોટા વ્યક્તિની ધરપકડ થઈ છે. મળતા અહેવાલો અનુસાર બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટનની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધપાત્ર છે કે એન્ડ્રુ માઉન્ટબેટનનો આજે 66મો જન્મદિવસ છે અને એ જ સમયે તેમની ધરપકડ થઈ ગઈ છે.
વિશ્વ અનેક દેશોમાં એપસ્ટિન ફાઇલ્સ જાહેર થયા બાદ હોબાળો મચી ગયો છે. આ ફાઇલોમાં બ્રિટનના કિંગ ચાર્લ્સના નાના ભાઈ એન્ડ્રુનું નામ પણ સામે આવ્યું હતું, જેના પર ભારે વિવાદ થયો હતો. હવે એન્ડ્રુની યુકે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે કિંગ ચાર્લ્સના નાના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની જેફરી એપસ્ટિન સાથેના સંબંધોને કારણે જાહેર હોદ્દા પર ગેરરીતિની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો AI વીડિયો બનાવનાર સંસદસભ્યોને નોટિસ જારી, જાણો શું છે મામલો?
જન્મદિવસના દિવસે જ ધરપકડ
‘ધ ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર, પોલીસ એપસ્ટિન ફાઇલોમાં સામે આવેલા એન્ડ્રુ વિરુદ્ધના દાવાઓની સમીક્ષા કરી રહી છે. આમાં એવા આરોપો પણ સામેલ છે કે જ્યારે એન્ડ્રુ બ્રિટનના વેપાર દૂત હતા ત્યારે તેમણે સંવેદનશીલ માહિતી શેર કરી હતી. માહિતી મુજબ, ગુરુવારે સવારે 8 વાગ્યે જ 6 અજ્ઞાત પોલીસ કાર અને અંદાજે 8 સાદા કપડામાં રહેલા અધિકારીઓએ સેન્ડ્રિંગહામ એસ્ટેટ સ્થિત એન્ડ્રુના ઘર પર દરોડો પાડ્યો હતો અને તેમની ધરપકડ કરી હતી. ખાસ વાત એ છે કે ગુરુવાર 19 ફેબ્રુઆરીના રોજ એન્ડ્રુનો જન્મદિવસ પણ છે.
પોલીસે શું કહ્યું?
આ સમગ્ર ઘટના અંગે ટેમ્સ વેલી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “અમે ગુરુવારે જાહેર હોદ્દા પર ગેરરીતિની શંકાના આધારે નોરફોકથી 60 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ સાથે બર્કશાયર અને નોરફોકના સરનામા પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે વ્યક્તિ હાલ પોલીસ કસ્ટડીમાં છે.” જોકે, બીજી તરફ એન્ડ્રુ માઉન્ટબેટને સતત કોઈપણ ખોટા કામમાં સામેલ હોવાનો ઈનકાર કર્યો છે.
પીએમ સ્ટાર્મરે શું કહ્યું?
BBCના અહેવાલ મુજબ એન્ડ્રુની ધરપકડ પહેલા બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું એન્ડ્રુ માઉન્ટબેટને સ્વેચ્છાએ પોલીસ સાથે વાત કરવી જોઈએ? આના પર સ્ટાર્મરે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ પોલીસનો મામલો છે. તેઓ તે અંગેની તપાસ કરશે, પરંતુ અમારી સિસ્ટમનો એક મૂળભૂત સિદ્ધાંત એ છે કે કાયદા હેઠળ દરેક વ્યક્તિ સમાન છે અને કોઈ પણ કાયદાથી ઉપર નથી.”


