1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનના મ્યુઝિયમે ભારતને પરત કરી 500 વર્ષ જૂની મૂર્તિ
બ્રિટનના મ્યુઝિયમે ભારતને પરત કરી 500 વર્ષ જૂની મૂર્તિ

બ્રિટનના મ્યુઝિયમે ભારતને પરત કરી 500 વર્ષ જૂની મૂર્તિ

0
Social Share

નવી દિલ્હી, 5 માર્ચ 2026: બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એશમોલિયન મ્યુઝિયમે 16મી સદીની એક ઐતિહાસિક કાંસાની મૂર્તિ ભારતને પરત કરી દીધી છે. આ મૂર્તિ હવે તમિલનાડુના એ જ મંદિરમાં પાછી મોકલવામાં આવશે, જ્યાંથી તેને ચોરી કરીને ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવામાં આવી હતી. ભારતને પરત કરવામાં આવેલી આ મૂર્તિ લગભગ 500 વર્ષ જૂની છે, જે સંત ‘થિરુમંગાઈ આળવાર’ની છે.

મ્યુઝિયમ દ્વારા વર્ષ 1967માં સોથેબીઝ પાસેથી આ મૂર્તિ ખરીદવામાં આવી હતી. જોકે, વર્ષ 2019માં એક રિસર્ચરે દાવો કર્યો હતો કે આ મૂર્તિ વાસ્તવમાં તમિલનાડુના થાડિકોમ્બુ સ્થિત શ્રી સૌંદરરાજા પેરુમલ મંદિરની છે. આ માહિતી સામે આવ્યા બાદ મ્યુઝિયમ દ્વારા તાત્કાલિક ભારતીય ઉચ્ચાયોગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

મ્યુઝિયમ તરફથી ભારત સરકાર પાસે આ મૂર્તિ અને મંદિર સંબંધિત માહિતી માંગવામાં આવી હતી. સચોટ પુરાવાઓ સામે આવ્યા બાદ એ સાબિત થઈ ગયું કે આ મૂર્તિ ખરેખર તમિલનાડુની જ છે. દરમિયાન લંડન સ્થિત ઇન્ડિયા હાઉસ ખાતે એક ઔપચારિક સમારોહ યોજાયો હતો, જેમાં આ મૂર્તિ સત્તાવાર રીતે ભારતને સોંપવામાં આવી હતી.

એશમોલિયન મ્યુઝિયમના ડિરેક્ટર ડૉ. ઝા સ્ટર્ગિસે આ અંગે જણાવ્યું હતું કે, “અમને 5 વર્ષ પહેલાં આ મૂર્તિ વિશે જાણ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે આ મૂર્તિ મંદિરમાંથી ચોરાયેલી હોવાની જૂની તસવીરો સાથે મેળ ખાય છે. ત્યારે જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેને કાયદેસર રીતે ભારતથી અહીં લાવવામાં આવી નથી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “મ્યુઝિયમે વર્ષ 1967માં તેને સારી દાનતથી ખરીદી હતી અને આજે અમે એટલી જ સાફ દાનત સાથે આ મૂર્તિ ભારતને પરત કરી રહ્યા છીએ.” આ મૂર્તિને લઈને દરેક સ્તરે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI), તમિલનાડુ સરકાર અને મંદિર પ્રશાસને સંયુક્ત રીતે મૂર્તિ ભારતની જ હોવાની પુષ્ટિ કરી હતી. ભારત પહોંચ્યા બાદ ASI દ્વારા ફરીથી તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તેને મૂળ મંદિરમાં સંપૂર્ણ સન્માન સાથે પુનઃસ્થાપિત કરવામાં આવશે.

એશમોલિયન મ્યુઝિયમ વિશે એવું કહેવાય છે કે, ત્યાં દુનિયાભરની અનેક ઐતિહાસિક અને ખાસ વસ્તુઓ મોજૂદ છે, જેના પર અગાઉ પણ ઘણા દેશો દાવાઓ કરી ચૂક્યા છે. જોકે, આજ સુધી કોઈના દાવા બાદ કોઈ વસ્તુ પરત કરવામાં આવી ન હતી. આ પહેલીવાર બન્યું છે જ્યારે એશમોલિયન મ્યુઝિયમે કોઈ ઐતિહાસિક ધરોહર તેના મૂળ દેશને પરત કરી હોય.

હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય બેરોનેસ થંગમ દેબોન્નૈરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ માત્ર કળાનો એક નમૂનો નથી, પરંતુ એક જીવંત મંદિરની પવિત્ર મૂર્તિ છે.” નોંધનીય છે કે, આ સમારોહમાં મૂર્તિની સાથે બીજી ચાર ભારતીય પ્રાચીન વસ્તુઓ પણ ભારતને પરત સોંપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ નીતિશકુમાર રાજ્યસભામાં જશે, સીએમ પદ છોડવાની કરી જાહેરાત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code