
ભારતીય અર્થતંત્રમાં મજબૂત રિકવરી વચ્ચે પણ ભારત સરકારનું જાહેર દેવું વધીને 125.71 લાખ કરોડ
નવી દિલ્હી: કોવિડ મહામારીનો પ્રકોપ હળવો થતા દેશમાં આર્થિક ગતિવિધિઓ ફરી ધમધમતા ભારતીય અર્થતંત્રમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. સરકારની આવકમાં પણ વૃદ્વિ જોવા મળી છે. જો કે સરકારી તિજોરી ભરાવવા છતાં સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારત સરકારના દેવામાં વધારો જોવા મળી રહ્યો છે.
નાણાંકીય વર્ષ 2021-22ના સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન સરકારની કુલ જવાબદારી 3.97 ટકા વધીને રૂ. 125.71 લાખ કરોડ થઇ છે, જે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 120.91 લાખ કરોડ હતી.
પબ્લિક ડેટ મેનેજમેન્ટ(જાહેર દેવા સંચાલન)રિપોર્ટ અનુસાર 2021-22ના જુલાઈ-સપ્ટેમ્બરમાં ત્રિમાસિક ધોરણે 3.97 ટકા વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ જવાબદારીઓ વધીને રૂ. 125,71,747 કરોડ થઈ હતી. આ આંકડામાં સરકારના જાહેર ખાતા હેઠળ આવતી બાકી રકમનો પણ સમાવેશ થાય છે. જૂન ક્વાર્ટરના અંતે કુલ જવાબદારીઓ રૂ. 1,20,91,193 કરોડ હતી.
આપને જણાવી દઇએ કે, ચૂકવવાની બાકી ડેટે સિક્યોરિટીઝમાંથી લગભગ 30.56 ટકાની પાકતી મુદત 5 વર્ષથી ઓછા સમયની છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા અનુસાર આ બાકીમાં કોમર્શિયલ બેન્કોનો હિસ્સો 37.82 ટકા અને વીમા કંપનીઓનો હિસ્સો 24.18 ટકા છે.
નોંધનીય છે કે, નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિકગાળા દરમિયાન સરકારે પ્રથમ ત્રિમાસિકગાળાના રૂ. 3.18 લાખ કરોડની સામે રૂ. 3.83 લાખ કરોડની ડેટ સિક્યોરિટીઝ જારી કરી હતી, જ્યારે માત્ર રૂ. 34,070 કરોડની ચૂકવણી કરી હતી.