
- ભારતીય અર્થતંત્રમાં રિકવરીના સંકેત
- સેવા ક્ષેત્રનો PMI ફેબ્રુઆરીમાં નોંધપાત્ર રીતે વધી 55.30 થયો
- 50થી ઉપરના ઇન્ડેક્સને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે
નવી દિલ્હી: ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. સેવા ક્ષેત્રનો IHS માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જે જાન્યુઆરીમાં 52.80 હતો તે ફેબ્રુઆરીમાં નોંધપાત્ર રીતે વધી 55.30 રહ્યો હતો. 50થી ઉપરના ઇન્ડેક્સને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. સેવા ક્ષેત્રે નિકાસ ઓર્ડરોમાં સતત 12માં મહિનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે ઓર્ડર ઘટવાની ગતિ ધીમી પડી છે.
જો કે સેવા પૂરી પાડતી કંપનીઓમાં રોજગારમાં સતત ત્રીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રની કંપનીઓના ખર્ચમાં છેલ્લા 8 વર્ષમાં સૌથી ઊંચો વધારો જોવાયો હોવાનું પણ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
સેવા ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ તથા સ્ટોરેજ સેગમેન્ટની કામગીરી સૌથી શ્રેષ્ઠ રહી છે. સર્વેમાં સેવા ક્ષેત્રના પાંચ સેગમેન્ટને આવરી લેવામાં આવે છે. આ અગાઉ સોમવારે જાહેર થયેલા રિપોર્ટમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે જાન્યુઆરીમાં 57.70 હતો તે ફેબુ્રઆરીમાં સાધારણ ઘટી 57.50 રહ્યો હોવાનું જણાવાયું હતું.
વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં દેશની આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થવાની અપેક્ષા રખાઈ રહી છે. ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર બન્નેમાં રોજગારમાં ઘટાડો થયાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. રોજગારમાં ઘટાડો ઘરેલું ઉપભોગ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
કોરોનાના કેસોમાં વધારો થતાં કર્મચારીઓની સંખ્યા પર અસર પડી છે પરંતુ આગળ જતાં તેમાં સુધારો જોવા મળવાની સંભાવના છે.
બીજી બાજુ વેક્સિનેશન કાર્યક્રમમાં ઝડપને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટમાં મજબૂતાઈ જોવાઈ રહી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં નકારાત્મક રહ્યા બાદ ભારતનો આર્થિક વિકાસ દર ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.40 ટકા સાથે પોઝિટિવ જોવા મળ્યો હતો.
(સંકેત)