
- સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો 7.34 ટકા નોંધાયો
- ઓગસ્ટ મહિનામાં ફુગાવાનો દર 6.69 ટકા હતો
- ખાદ્ય ચીજવસ્તુઓનો ભાવ વધતા ફુગાવો પણ વધ્યો
કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્રમાં મંદીનો માહોલ છે ત્યારે હવે ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદન એમ બન્ને મોરચે વધુ એક નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો 7.34 ટકા થઇ ગયો છે. ઑગસ્ટ મહિનામાં ફુગાવાનો દર 6.69 ટકા હતો. જો કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે જેના કારણે ફુગાવો પણ વધ્યો છે. ગત વર્ષની તુલનામાં આ ફુગાવો બમણા સ્તરે છે.
IIPના જાહેર થયેલા આંકડા પ્રમાણે ઑગસ્ટ મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 8.6 ટકાનો ઘટાડો થયો છે જ્યારે માઇનિંગ અને પાવર જનરેશન સેક્ટરમાં પણ ઘટાડો થયો છે. માઇનિંગમાં 9.8 અને પાવર જનરેશન સેક્ટરમાં 1.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
નેશનલ સ્ટેટેસ્ટિક ઓર્ગેનાઈઝેશન અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી દર 10.68 ટકા થઈ ગયો છે. ઓગસ્ટમાં આ દર 9.05 ટકા હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ફટકો પડ્યો છે. સરકારી આંકડા પ્રમાણે ગત મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં 8 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે આઈઆઈપીના આંકડાની તુલના ગત વર્ષના આંકડા સાથે કરી શકાય નહીં. હાલમાં સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે અને ધંધા-રોજગાર ફરીથી ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે તેવામાં અર્થતંત્રને પણ વેગ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
(સંકેત)