
- કોરોના સમયગાળા દરમિયાન દેશનું IT સેક્ટર પોઝિટિવ પરિધમાં રહ્યું
- વર્તમાન નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ ક્ષેત્રએ વાર્ષિક ધોરણે 5.20 ટકાની વૃદ્વિ હાંસલ કરી
- 165 આઈટી કંપનીઓનું વેચાણ ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1,05,724 કરોડ રહ્યું
નવી દિલ્હી: કોરોના સમયગાળા દરમિયાન પણ દેશનું આઇટી સેક્ટર પોઝિટિવ પરિધમાં રહ્યું છે અને વર્તમાન નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ ક્ષેત્રએ વાર્ષિક ધોરણે 5.20 ટકાની વૃદ્વિ હાંસલ કરી છે. દેશમાં ખાનગી ક્ષેત્રની કામગીરી પરના રિઝર્વ બેંકના ડેટામાં આઇટી ક્ષેત્રની કામગીરીની માહિતી પૂરી પાડવામાં આવી છે.
બિન-સરકારી તથા બિન-નાણાકીય એવી 2692 લિસ્ટેડ કંપનીઓના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં આઇટી ક્ષેત્રની કંપનીઓના પરિણામો પોઝિટિવ જોવા મળ્યા છે.
કોવિડ-19 સંબંધિત લોકડાઉનમાં તબક્કાવાર સુધારા તથા માગ વૃદ્વિને કારણે ઉત્પાદન ક્ષેત્રની 1685 કંપનીઓના વેચાણમાં ઑક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 7.40 ટકા વૃદ્વિ જોવા મળી છે. આ અગાઉના 6 ત્રિમાસિક ગાળામાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઉત્પાદન ક્ષેત્રની જે કંપનીઓના વેચાણમાં વધારો થયો છે તેમાં આયર્ન અને સ્ટીલ, ઓટોમોબાઈલ, સિમેન્ટ, કેમિકલ્સ તથા ફાર્મા કંપનીઓનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 165 આઈટી કંપનીઓનું વેચાણ ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1,05,724 કરોડ રહ્યું હતું જે ગત નાણાં વર્ષના આ ગાળામાં રૂપિયા 1,01,001 કરોડ રહ્યું હતું. બીજી બાજુ આઈટી સિવાયની સેવા ક્ષેત્રની કંપનીઓના વેચાણમાં આ ગાળામાં 5.70 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
(સંકેત)