
33 ટકા મહિલા અનામત બિલને કેબિનેટની મંજૂરી, કાલે બુધવારે બિલને સંસદમાં રજુ કરવાની શક્યતા
નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રના પ્રારંભના પ્રથમ દિવસે 18 સપ્ટેમ્બરે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી.આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી હતી. હવે મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલની જોગવાઈઓ અનુસાર મહિલાઓને 33 ટકા અનામત મળશે.
કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. મહિલા અનામત બિલને સંસદની મંજુરી મળ્યા બાદ મહિલાઓને તમામ ક્ષેત્રે 33 ટકા અનામત મળશે. ભાજપે લોકસભા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ મહિલાઓને 33 ટકા અનામત અપાતા ભાજપને મોટો ફાયદો થશે, તેમ માનવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું કે મહિલા અનામત બિલ પાસ થવા પર દિલ્હીની આસપાસના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં મહિલાઓ પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ આપવા માટે દિલ્હી આવી શકે છે. હકીકતમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના આવાસ પર જે સાંસદ આવ્યા હતા તે દિલ્હીની આસપાસ (એનસીઆર) ના હતા. સાંસદોને દિલ્હીની આસપાસ સંસદીય ક્ષેત્રોમાંથી મહિલાઓને લાવવાની જવાબદારી આપવામાં આવી છે. મહિલા માટે 33 ટકા અનામતનો કાયદો ઘડાયા બાદ ભાજપ દ્વારા મહિલાઓની મોટી સભા દિલ્હી કે દિલ્હી સાથે જોડાયેલા રાજસ્થાનના કોઈ શહેરમાં યોજાય તેવી શક્યતા છે. મહિલાઓની સભાને વડાપ્રધાન મોદી સંબોધિત કરી શકે છે. જો કે આ કાર્યક્રમને હાલ ગુપ્ત રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્તમાન લોકસભામાં 78 મહિલા સાંસદો છે, જે કુલ 543ની સંખ્યાના 15 ટકાથી પણ ઓછી છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરી સહિતની ઘણા રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ 10 ટકા કરતાં ઓછું છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં કોંગ્રેસ, બીજુ જનતા દળ (BJD) અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સહિત અનેક પક્ષોએ મહિલા અનામત બિલ રજૂ કરવાની માંગ કરી છે.