
પાટણઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પાટણ શહેર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો, શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે એક કાર ચાલક આગળ જતી બસ સાથે અકસ્માતથી બચવા કાર રોડ સાઈડ બાજુ ઉતરવા જતા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. જોકે, કેનાલમાં ઓછું પાણી હોવાના કારણે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પાટણ શહેરના પદ્મનાથ ચોકડી પાસે પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે નર્મદા – સુજલામ સુફલામ આધારિત ખોરસમ કેનાલ દ્વારા ખાન સરોવરમાં પાણી પહોંચાડાય છે. ત્યારે મંગળવારની સમી સાંજે પદ્મનાભ ચોકડી પાસેની આ કેનાલમાં ચાણસ્મા તરફથી આવી રહેલી કારના ચાલકને આગળ જતી એસટી સાથે અથડાઈ નહી તે માટે તેને કારને રોડ સાઈડ ઉતારતા આગળ કેનાલમાં કાર ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બાળકી સાથે ચાર વ્યક્તિઓનો બચાવ થયો હતો. મોડી સાંજે અંધારું થતા કારને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી.
અકસ્માતનો બીજો બનાવ પાટણ ડીસા હાઈવે પર સર્જાયો હતો. જેમાં વાગડોદ ગામ નજીક રોઝને બચાવવા જતા પેસેન્જર ભરેલી રિક્ષા ચોકડીમાં ખાબકતાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની વિગચો એવી છે કે, અમદાવાદથી ભાટસણ ગામ રિક્ષા લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન પાટણ-ડીસા હાઈવે પર વાગડોદ ગામ નજીક પસાર થઈ રહ્યા હતા તે સમયે એક હોટલ પાસે અચાનક રોઝ આડું આવતા રિક્ષા ચાલકે રોઝને બચાવવા જતા સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતા રિક્ષા ચોકડીમાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સ્થાનિક લોકોએ 108ને જાણ કરાતા પાટણ,ડીસા અને કાંસાની ત્રણ 108 ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.