
અમદાવાદમાં નવા સત્રના પ્રારંભ પહેલા 700 જેટલી શાળાના આચાર્યો ફાયર સેફ્ટીના પાઠ ભણ્યા
અમદાવાદ: રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ સરકારી વિભાગો ફાયર સિસ્ટમને લઈને સજાગ બની રહ્યા છે. રાજ્યમાં 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બાળકોની સલામતી માટે સ્કુલવાનોની ચેકિંગ માટે સરકારે આદેશ આપી દીધા છે, ઉપરાંત તમામ સ્કૂલોને ફાયર એનઓસીની તપાસ કરવામાં આવી રહી છે. શાળાઓમાં કોઈ આકસ્મિક આગની ઘટના બને તો ત્વરિત કેવી રીતે બુઝાવી શકાય તે માટે શાળાના આચાર્યોને તાલીમ માટે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ.
અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી માટે ફાયરના સાધનોની સુવિધા તો લગાવી દેવામાં આવી છે,પરંતુ જો શાળામાં આગ લાગવાની ઘટના બને તો શું કરવું તે અંગેની એક ટ્રેનિંગ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને અમદાવાદ ફાયર બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી જેમાં 700થી વધુ શાળાઓના આચાર્યોએ ટ્રેનીંગ મેળવી હતી. શહેરની માધ્યમિક અને હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્યો અને શાળાના પ્રતિનિધિઓને માટે સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રેક્ટિકલ સૈધાંતિક તાલીમ આપવામાં આવી હતી.
શહેરના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યોને ફરજિયાત હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે 700 જેટલી શાળાના આચાર્યો કે પછી તેમના વતી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. આ ટ્રેનીંગમાં એએમસીના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના અધિકારીઓએ અમદાવાદની શાળાઓના આચાર્યોને ફાયર સેફ્ટી બાબતે તાલીમ આપી હતી.
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, શાળાના આચાર્યોને આગ બુજાવાના તમામ સાધનોની જાણકારી આપવામાં આવી છે. તે માટે તેઓને થિયરી અને પ્રેક્ટીકલ રીતે સમજાવવામાં આવ્યા છે. જો શાળામાં આગ લાગે તો ફાયર બ્રિગેડને આવતા પહેલા શાળામાં લાગેલા ફાયરના સાધનોથી કેવી રીતે આગ પાર કાબુ મેળવી શકાય,તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.