યુગાન્ડા, 29 સપ્ટેમ્બર, 2026 – ગઈકાલ સુધી જે વ્યક્તિ ન્યૂઝ ચેનલ પર બેસીને એન્કરિંગ કરતા હતા, તેઓ હવે દેશની શાહી ગાદી પર બેસશે. આફ્રિકી દેશ યુગાન્ડાના એક રજવાડામાં આ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી છે. તૂરો (Tooro) નામના યુગાન્ડાના એક સામ્રાજ્યમાં ઉત્તરાધિકારના વિવાદ બાદ મંગળવારે પત્રકાર પ્રિન્સ એડવર્ડ રૂકિડી કિઝાનાંગોમા ન્યાબોંગો રાજા બની ગયા છે.
એક ખાસ વાત એ છે કે જે રાજાની ગાદી તેઓ સંભાળવા જઈ રહ્યા છે, તેઓ એક સમયે વિશ્વના સૌથી નાની વયના શાસક હતા. તેમણે માત્ર 3 વર્ષની ઉંમરે ગાદી સંભાળી હતી અને હવે 34 વર્ષની વયે તેમના અવસાન બાદ આ સામ્રાજ્યને નવા રાજા મળ્યા છે.
યુગાન્ડા એક પ્રજાસત્તાક દેશ છે જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. પરંતુ અહીં અનેક પરંપરાગત રાજશાહીઓને પણ માન્યતા આપવામાં આવી છે, જેના શાસકો સાંસ્કૃતિક નેતાઓની ભૂમિકા ભજવે છે. પ્રિન્સ એડવર્ડ રૂકિડી કિઝાનાંગોમા ન્યાબોંગો દ્વિતીયને તૂરોની રાજગાદી મળી છે અને તેમણે અહીં એક શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું છે. તૂરો એ યુગાન્ડાના ચાર ઐતિહાસિક રાજ્યોમાંનું એક છે, જે મુખ્યત્વે સાંસ્કૃતિક સંસ્થાઓ તરીકે કામ કરે છે અને જેમની પાસે મર્યાદિત રાજકીય સત્તા છે.
રાજાના નિધન બાદ ગાદી માટેનો વિવાદ
તાજેતરમાં રાજા ઓયો ન્યિમ્બા કબાંબા ઇગુરુ રૂકિડી IVનું નિધન થયું ત્યારે તૂરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું. તેઓ 1995માં માત્ર ત્રણ વર્ષની ઉંમરે ગાદી પર બેઠા હતા. કેન્સર સામે ઝઝૂમ્યા બાદ તાજેતરમાં 34 વર્ષની વયે તેમનું નિધન થયું. જ્યારે તેઓ ગાદી પર બેઠા હતા ત્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને વિશ્વના સૌથી નાની વયના શાસક તરીકે માન્યતા આપી હતી.
પરંતુ રાજા ઓયોના નિધન પછી ઉત્તરાધિકાર અંગે વિવાદ ઊભો થયો. દિવંગત રાજાના માતાએ માંગ કરી કે ઓયોના પુત્રએ ગાદી સંભાળવી જોઈએ. પરંતુ એ પુત્ર વિશે પરિવારના નજીકના લોકો સિવાય કોઈ જાણતું નહોતું. દિવંગત રાજાના માતાએ દાવો કર્યો હતો કે ઉત્તરાધિકારના વિવાદ દરમિયાન તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.
અંતે ‘બબીતો’ શાહી ઘરાનાની એક પસંદગી સમિતિએ રાજાના માતાની વાત ન માની અને દિવંગત રાજાના પિતરાઈ ભાઈ, પ્રિન્સ એડવર્ડને રાજાના પદ માટે પસંદ કર્યા. ન્યૂઝ એજન્સી એએફપી (AFP) ના અહેવાલ મુજબ યુગાન્ડાના ટીવી પર દર્શાવાયેલાં દ્રશ્યોમાં તૂરો ખાતે સરઘસ માટે રાતોરાત ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી હતી.


