અમદાવાદ, 28 નવેમ્બર, 2026 : Attack on municipal team that went to relieve pressure શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ આસપાસના દબાણો હટાવવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. અને લારી-ગલ્લા સહિત દબાણો હટાવવાનો પ્રયાસ કરાતા લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને ઉશ્કેરાયેલા ટોળાએ ઈંટો અને લાકડા વડે હુમલો કરતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. પોલીસે તરત જ સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી. અને 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા પાસે આવેલી શાક માર્કેટમાં જાહેર રોડ પરના દબાણો હટાવવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ પર શાકભાજીના વેપારીઓ સહિત લોકોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો ઉશ્કેરાયેલા ટોળાએ ઈંટો અને લાકડા વડે હુમલો કરતા એક મહિલા પોલીસકર્મીને ઈજા થઈ હતી. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં 6 નામજોગ અને અન્ય 5 અજાણ્યા શખસો મળી કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
શહેરમાં જાહેર સ્થળોએ શાકભાજી અને ફ્રૂટના ફેરિયાઓ તેમજ ખાણીપીણીના સ્ટોલ ખુલ્લેઆમ ધંધો કરતા જોવા મળે છે. આ ફેરિયાઓ જાહેર રોડ પર દબાણ કરતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે.
મ્યુનિના એસ્ટેટ વિભાગના અધિકારીના કહેવા મુજબ એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સાંજે 5:30 વાગ્યે બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી શાક માર્કેટમાં જાહેર રોડ પરના દબાણો હટાવવા માટે ગઈ હતી. જ્યારે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે શાકભાજીનો વેપાર કરતા મહિલાઓ અને પુરુષો ઉશ્કેરાઈ ગયા હતા. ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચી એસ્ટેટ વિભાગ અને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પર છૂટી ઈંટો અને લાકડા વડે હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા આરોપીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલને કપાળના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી ઈજા પહોંચાડી હતી. આ ઘટના બાદ આસપાસના લોકો પાસેથી હુમલાખોરોના નામ-સરનામાની જાણકારી મેળવી બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 11 આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.








