વડોદરા, 28 નવેમ્બર, 2026 : Massive fire breaks out in furniture godown શહેરના કિસ્મત ચોકડી વિસ્તારમાં પેટ્રોલ પંપથી માત્ર 20 મીટર દૂર આવેલા ફર્નિચરના ગોદામમાં આગ ફાટી નિકળકતા અફરા-તફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પેટ્રોલ પંપ નજીક હોવાથી કોઈ મોટી દૂર્ઘટના ન સર્જાય તે માટે પલવારનો વિલંબ કર્યા વિના જ ફાયરના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત ટળી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના કિસ્મત ચોકડી પાસે આવેલી ફર્નિચરની દુકાન અને ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનમાં લાકડા અને ફર્નિચરનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ હતી કે ફર્નિચરના ગોદામમાં આગ લાગી તેના માત્ર 20 મીટર દૂર જ એક પેટ્રોલ પંપ આવેલો છે. આગની જ્વાળાઓ જે રીતે ભભૂકી રહી હતી, તે જોતા જો આગ પેટ્રોલ પંપ સુધી પહોંચી હોત તો ભયાનક વિસ્ફોટ અને મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી, જેના કારણે રહીશો અને વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આગના બનાવની જાણ થતા જ વાસણા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ સ્થિતિની ગંભીરતા સમજી સૌપ્રથમ આગને પેટ્રોલ પંપ તરફ ફેલાતી અટકાવી હતી અને સતત પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી આફત ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.








