બેંગકોક, 29 સપ્ટેમ્બર 2026: ભારે વરસાદને કારણે આવેલા પૂરથી થાઈલેન્ડમાં વ્યાપક તબાહી સર્જાઈ છે. સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે બેંગકોકમાં પૂરને કારણે વધુ ચાર લોકોનાં મોત થયાં છે.
આપત્તિ નિવારણ અને શમન વિભાગ (DDPM) અનુસાર, આ ચાર વ્યક્તિઓના મૃત્યુ સાથે થાઈલેન્ડમાં પૂરને કારણે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 23 પર પહોંચી છે. બેંગકોકમાં અંદાજે 7,00,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
બેંગકોકમાં પૂર ભારે તબાહી મચાવી
બેંગકોકમાં 48 કલાક સુધી એટલો ભારે અને સતત વરસાદ પડ્યો કે ત્રણ દિવસ પછી પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલાં રહ્યાં. સત્તાવાળાઓએ શહેરમાં આપત્તિ જાહેર કરી શાળાઓ બંધ કરાવી, જ્યારે રાજધાનીભરમાં 230થી વધુ આશ્રયસ્થાનોમાં આશરે 7000 લોકો આશરો લઈ રહ્યા હતા.
DDPM એ જણાવ્યું છે કે થાઈલેન્ડના 77 પ્રાંતોમાંથી 29 પ્રાંતો પૂરથી પ્રભાવિત થયા છે. વિભાગે બેંગકોકમાં ચાર લોકોના મૃત્યુની જાણકારી આપી છે. બેંગકોક અને સમુદ્રની વચ્ચે આવેલા સમુત પ્રકાનમાં આઠ લોકોનાં અને પૂર્વીય પ્રાંત સા કાએઓમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે.
બેંગકોકની અગ્નિ દિશામાં આવેલા ચંથાબુરીમાં તેમજ રાજધાનીની ઉત્તરે આવેલા અયુથાયા અને સારાબુરી એમ બે પ્રાંતોમાં પણ કેસો નોંધાયા હતા.
બેંગકોકથી સામે આવેલી તસવીરોમાં વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. સુવર્ણભૂમિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. પૂરને કારણે પરિવહન સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.
રાહત અને બચાવ કામગીરી
થાઈલેન્ડમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે, પરંતુ બેંગકોકના ઘણા રહેવાસીઓનું કહેવું છે કે આ વર્ષે આવેલા પૂર અગાઉના પૂરની સરખામણીમાં વધુ ગંભીર જણાય છે.
આ શહેર મૂળભૂત રીતે દલદલીય જમીન પર વસાવવામાં આવ્યું હતું અને તેમાં નહેરોનું જાળું પથરાયેલું છે. વરસાદને કારણે, આમાંની ઘણી નહેરો જોખમી રીતે છલકાઈ રહી છે.
પમ્પિંગ સ્ટેશનો ઘણા દિવસોથી તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે, પરંતુ ગવર્નર ચાદચાર્ટ સિટ્ટીપુન્ટે રવિવારે જણાવ્યું હતું કે પાણી સંપૂર્ણપણે નીકળી જવામાં એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અશ્મિભૂત ઇંધણના ઉત્સર્જનને કારણે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધશે, તેમ ચોમાસાની ઘટનાઓની તીવ્રતા અને આવૃત્તિમાં પણ વધારો થશે.
વધુ વાંચો: અમેરિકાએ ભારત સહિત 20 દેશોને આપી મોટી રાહત, ખાસ દવાઓ પર ટેરિફ હટાવ્યો


