ગોંડલમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુનો હાહાકાર, ઘરે ઘરે માંદગીના ખાટલા
- કોરોના બાદ હવે ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો
- વાઇરલ ફીવરની લપેટમાં આવ્યા ગોંડલના લોકો
- આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું
રાજકોટ: કોરોનાવાયરસના કેસ હવે દેશમાં તથા રાજ્યમાંથી ઓછા થઈ રહ્યા છે, ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ છે ત્યારે હવે જાણે રોગચાળાની સિઝન શરૂ થયું હોય તેવી સ્થિતિ રાજકોટ પાસે આવેલા ગોંડલમાં સર્જાઈ છે.
ગોંડલ શહેરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુ હાહાકાર મચાવી રહ્યો છે. સાથેસાથ વાઇરલ ફીવરની લપેટમાં પણ ગોંડલ વાસીઓ આવી રહ્યા છે શહેરમાં રોગચાળો વકરતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને અલગ અલગ ટીમો બનાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.
ગોંડલ શહેરમાં છેલ્લા એક મહિનામાં આશરે 57 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે.ચોમાસાની ઋતુ એ વીરામ લેતાની સાથે જ ડેન્ગ્યૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે બે વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વાયરલ ફીવરના કેસમાં પણ મોટો ઉછાળો થયો છે.સામાન્ય તાવ શરદી-ઉધરસના કેસ ગોંડલમાં ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે તો ખાનગી હોસ્પિટલો પણ અત્યારે દર્દીઓથી છલકાઇ રહી છે.લોકો સાથે આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે