
Cash For Vote Case: શું હતો 1993નો JMM લાંચ કાંડ અને શું હતો 1998નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વોટ ફોર નોટના મામલામાં પોતાનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હારાવના કેસમાં કહ્યું છે કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદ નોટ લઈને વોટ અથવા ભાષણ આપે છે, તો તેના પર કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય ખંડપીઠે લાંચના મામલે સાંસદો અથવા ધારાસભ્યોને ટ્રાયલમાંથી છૂટ આપવાના પોતાના 1998ના ચુકાદાને પલટયો છે.
શું હતો 1993નો લાંચ કાંડ?
પી. વી. નરસિમ્હારાવનો મામલો ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કાંડ સાથે જોડાયેલો છે. આ મામલાએ દેશની રાજનીતિમાં ખળભળાટ મચાવ્યોહતો. 1991માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની, પણ બહુમતીથી ચુકી ગઈ હતી.
તમિલનાડુના શ્રીપેરામ્બદૂર ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિ લહેરથી કોંગ્રેસને 232 બેઠકો મળી શકી હતી. પરંતુ બહુમતીનો મેજિક નંબર 272નો છે.
તેના પછી પી. વી. નરસિમ્હારાવ વડાપ્રધાન બન્યા. જો કે રાવના કાર્યકાળમાં એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ રામજન્મભૂમિ આંદોલનની તીવ્રતાના પડકારો હતા. 1992માં બાબરી કાંડ થયા બાદ સ્થિતિ વણસી હતી.
1993માં નરસિમ્હારાવની સરકાર સામે સીપીએમના એક સાંસદે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારે કોંગ્રેસની ગઠબંધન સરકાર પાસે 252 બેઠકો હતી. પરંતુ બહુમતી માટે 13 બેઠકો ખૂટતી હતી.
28 જુલાઈ,1993ના રોજ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું, ત્યારે પ્રસ્તાવના પક્ષમાં 251 અને તેના વિરુદ્ધમાં 265 વોટ પડયા હતા. રાવની સરકાર તો બચી ગઈ. પરંતુ ત્રણ વર્ષ બાદ વોટના બદલામાં નોટનો મામલો સામે આવ્યો હતો.
ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કાંડ સાથે શું હતી લિંક?
જ્યારે વોટ ફોર નોટનો મામલો સામે આવ્યો, ત્યારે 1993ના અવિશ્વાસ પ્રસ્તાવમાં જેએમએમ અને જનતાદલના 10 સાંસદોએ તેની વિરુદ્ધ વોટ કર્યો હતો. તેના પછી સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે સૂરજ મંડલ, શિબૂ સોરેન સહીતના જેએમએમના 6 સાંસદોએ વોટના બદલે લાંચ લીધી હતી.
શું હતો 1998નો ચુકાદો?
સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચવા પર પાંચ જજોની ખંડપીઠે 1998માં ચુકાદો આપ્યો કે બંધારણના અનુચ્છેદ-15-2 મુજબ સંસદમાં આપવામાં આવેલા વોટ માટે કોઈપણ સાંસદને અદાલતી કાર્યવાહી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે તેના પછી તમામ મામલાઓને ફગાવી દીધા હતા.
ચુકાદો પલટાયો-
સુપ્રીમ કોર્ટે ચુકાદો બદલતા કહ્યુ કે સાંસદો અને ધારાભ્યોની લાંચખોરી લોકશાહીને નષ્ટ કરવાનું કામ કરશે. કોઈને પણ લાંચખોરી કર્યા બાદ કાયદાકીય કાર્યવાહીથી બચવાનો વિશેષાધિકાર નથી, ચાહે તે સાંસદ હોય કે ધારાસભ્ય