
ગાંધીનગરઃ અમદાવાદથી ગાંધીનગર તરફ આવતાં હાઇવે પર એપોલો સર્કલ નજીક મધરાત્રે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા સીબીઆઈમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું. જ્યારે 17 વર્ષના રિક્ષા ચાલકને પણ શરીરે નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગત એવી જાણવા મળી છે. કે, ગાંધીનગરના એપોલો સર્કલ નજીક ગઈ મધરાત્રે કારની ટક્કરથી રિક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. તેમજ રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કોલકાતા ખાતે ફરજ બજાવતા સીબીઆઇના હેડ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સીબીઆઈના હેડ કોન્સ્ટેબલ અરુણકુમાર સરકારી કામ અર્થે અમદાવાદ આવ્યાં હતા. ગાંધીનગર સેક્ટર – 11 ખાતેની કચેરીમાં પણ સરકારી કામ હોવાથી રાત્રિના બાર વાગ્યાના અરસામાં અરુણ કુમાર અમદાવાદ એરપોર્ટ સર્કલથી એક રિક્ષામાં બેસીને ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. તે વખતે એપોલો સર્કલ નજીક હાઇવે રોડ ઉપર કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રિક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જ્યારે કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દઈ કારને ડિવાઇડર પર ચઢાવી દીધી હતી. જેથી કાર બંધ પડી જતાં ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ કારની જોરદાર ટક્કરનાં કારણે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થતાં રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા અને અરુણ કુમાર અને રિક્ષા ચાલક સોનુ રાજેશભાઇ સિંધીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી હેડ કોન્સ્ટેબલ અરુણકુમારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક સોનુ સિંધીને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં અડાલજ પોલીસ મથકના પીએસઆઇ એસ આર ડામોર, એ.એસ.આઈ અરવિંદભાઈ તેમજ જમાદાર મહેશભાઈ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મૃતક પાસેથી મળી આવેલા આઈ કાર્ડના આધારે સીબીઆઇ કચેરીએ જાણ કરવામાં આવતા ગાંધીનગર સીબીઆઇની ટીમ રાત્રે પહોંચી ગઈ હતી. આ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.