સીડીએસ અનિલ ચૌહાણનો એલઓસી પર લશ્કરી તૈયારીઓનો તાગ મેળવ્યો: બદલાતા યુદ્ધ કૌશલ્ય અને નવી ટેકનોલોજી પર આપ્યો ભાર
શ્રીનગર, 5 એપ્રિલ 2026: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે શ્રીનગર સ્થિત ચિનાર કોર હેઠળના વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નિયંત્રણ રેખા (એલઓસી) પર સુરક્ષાની સ્થિતિ અને ભારતીય સેનાની સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જનરલ ચૌહાણે ઉત્તર કાશ્મીરમાં તૈનાત જવાનોની વ્યાવસાયિક ક્ષમતા અને તેમની તૈયારીઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
બારામુલ્લામાં લશ્કરી અધિકારીઓને સંબોધિત કરતા સીડીએસએ જણાવ્યું હતું કે, આધુનિક યુદ્ધનું સ્વરૂપ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે માત્ર જમીની લડાઈ પૂરતી નથી. ભવિષ્યમાં સફળતા મેળવવા માટે થલ, વાયુ, સમુદ્ર ઉપરાંત સાયબર, સ્પેસ (અંતરિક્ષ) અને સંજ્ઞાનાત્મક ક્ષેત્રોમાં એકસાથે અને એકીકૃત રીતે કામ કરવું અનિવાર્ય બનશે. તેમણે અધિકારીઓને ‘જોઈન્ટનેસ’ એટલે કે ત્રણેય પાંખો વચ્ચેના બહેતર સમન્વયને પોતાની કાર્યશૈલીનો હિસ્સો બનાવવા આહવાન કર્યું હતું.
જનરલ ચૌહાણે સેનામાં નવી ટેકનોલોજીના સમાવેશ અને આધુનિક શસ્ત્રોના ઉપયોગ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે, બદલાતી પડકારજનક સ્થિતિમાં માત્ર એક ક્ષેત્રની વ્યૂહરચના પૂરતી નથી. સંયુક્ત તાલીમ અને એકીકૃત કમાન વ્યવસ્થાથી જ શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરી શકાય છે. કોઈપણ પ્રકારના સંઘર્ષ કે કટોકટીમાં ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા કેળવવી અત્યંત જરૂરી છે. પોતાના પ્રવાસ દરમિયાન સીડીએસએ માત્ર લશ્કરી અધિકારીઓ જ નહીં, પરંતુ બારામુલ્લામાં નાગરિક વહીવટીતંત્રના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સેના અને સ્થાનિક લોકો વચ્ચેના સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે તમામ રેન્કના સૈનિકોને માનસિક રીતે મજબૂત રહેવા અને ભવિષ્યના કોઈ પણ પડકારને પહોંચી વળવા હંમેશા સજ્જ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
વધુ વાંચો: વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ


