મહેસાણા, 29 ડિસેમ્બર 2025: ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બજારમાં પ્રતિબંધિત અને જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે પાટણ એ-ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરીને ઘાતક ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. આ કાર્યવાહીથી કાળાબજારિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પાટણ એ-ડિવિઝન પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે શહેરના બુકડી અને ખોખરવાડા વિસ્તારમાં કેટલાક શખ્સો સરકારના પ્રતિબંધ છતાં છૂપી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ અને હેરફેર કરી રહ્યા છે. બાતમી મળતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને બંને વિસ્તારોમાં એકસાથે દરોડા પાડ્યા હતા.
પોલીસની આ સફળ કામગીરી દરમિયાન બુકડી વિસ્તારમાંથી 45 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ રીલ ઝડપાઈ હતી. આ ઉપરાંત ખોખરવાડા વિસ્તારમાંથી 23 નંગ ચાઈનીઝ રીલ મળી આવી હતી. આમ પોલીસે કુલ 68 રીલ (અંદાજે રૂ. 15,000ની કિંમત) અને હેરફેર માટે વપરાતી એક રિક્ષા મળીને કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
- લોકોના જીવ સાથે રમત રમનારાઓ સામે કડક વલણ
ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરી પશુ-પંખીઓ અને વાહનચાલકો માટે સાક્ષાત્ યમદૂત સમાન સાબિત થાય છે. હાઈકોર્ટ અને રાજ્ય સરકારના કડક પ્રતિબંધ છતાં માત્ર નફાખોરી માટે લોકોના જીવ જોખમમાં મૂકતા વિક્રેતાઓ સામે પાટણ પોલીસે આકરી ઝુંબેશ શરૂ કરી છે. પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને જો કોઈ આ દોરીનું વેચાણ કરતું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. તમારી એક જાગૃતિ કોઈ નિર્દોષ પક્ષી કે વ્યક્તિનો જીવ બચાવી શકે છે.


