
અમદાવાદઃ શહેરના પશ્વિમ વિસ્તારના લોકો સૌથી વધુ પાણીનો વપરાશ કરી રહ્યા છે. લોકોની પાણીની કિંમત જ ન હોય તે રીતે પાણીનો વેડફાટ પણ કરી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પશ્વિમ વિસ્તારને માથાદીઠ 245 લીટર પાણી આપવામાં આવે છે. છતાં પણ ઘણીબધી સોસાયટીઓને બોર ચલાવવાની ફરજ પડી રહી છે. શહેરનો પશ્વિમ વિસ્તાર સમૃદ્ધ ગણાય છે. પરંતુ આ વિસ્તારના લોકોને પાણીની કોઈ કિંમત ન હોય તેમ વધુ વપરાશ કરી રહ્યા છે.અગાઉ મ્યુનિ.દ્વારા મીટરથી પાણી આપવાની યોજના હતી. અને તે માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરાયો હતો. પણ કેટલાક અધિકારીઓના પાપે આ યોજના દાખલ કરી શકાઈ નહોતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રતિદિન 1625 એમએલડી (મિલિયન લિટર પર ડે) પાણીનો જથ્થોનું વિતરણ કરવામાં આવે છે. એટલે કે, પ્રત્યેક શહેરીજનને માથાદીઠ 225 લિટર પાણીનો જથ્થો અપાય છે. જોકે વ્યક્તિ દીઠ સૌથી વધુ 245 લિટર પાણી દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં અપાય છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 218 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન મારફતે જરૂરી પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં પ્રત્યેક નાગરિકને સરેરાશ 225 લિટર પાણીનો જથ્થો આપવામાં આવે છે. જોકે શહેરમાં સૌથી વધારે પાણીનો પુરવઠો ઉ.પશ્ચિમ અને દ.પશ્ચિમ ઝોનમાં વ્યક્તિ દીઠ 245 લિટર જેટલો ફાળવવામાં આવે છે. મ્યુનિ. દ્વારા શહેરમાં 218 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન તેમજ 135 બોર મારફતે પાણી પૂરું પડાય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાક સમયથી એવો પણ વિવાદ ચાલી રહ્યો હતો કે, શહેરમાં કેટલાક વિસ્તારમાં મ્યુનિ. દ્વારા બે સમય પાણીનો પુરવઠો આપવામાં આવે છે જ્યારે પશ્ચિમ ઝોનના વિસ્તારમાં માત્ર એક સમય પાણીનો જથ્થો આપવામાં આવે છે. જે બાબતે અનેક વિવાદો થઇ ચૂક્યા છે.