 
                                    મોરબીની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં શોકસભા, CM, MLA ઉપસ્થિત રહ્યા
અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત નિપજતા આ દુર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આજે બુધવારે શોક દિવસ મનાવવામાં આવ્યો હતો. અનેક શહેરોમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચ અને શોકસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદના ટાગોર હોલમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હૉલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો.
મોરબીમાં દુર્ઘટનાના મડતકોને શ્રદ્ધાંજલિ અર્પવા આજે અમદાવાદના ટાગોર હોલમાં શોકસભા યોજાઈ. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો અને ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્યવ્યાપી શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની ઓફિસોમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ પણ રદ્દ કરવામાં આવેલા છે. બીજીતરફ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે
મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. PM મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો કર્યા છે. આ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યુ કામગીરીથી PM મોદી સંતોષ હોવાનું પણ પાટીલે જણાવ્યુ છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

