
અમદાવાદના ભાજપના કોર્પોરેટરોને પ્રામાણિકતાથી કામ કરવાની CM રૂપાણીની સલાહ
અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 192 બેઠકો પૈકી 160 જેટલી બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ભાજપના કોર્પોરેટરો સાથે ગાંધીનગરમાં એક ખાનગી પાર્ટીપ્લોટમાં બેઠક કરી હોવાનું જાણવા મળે છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્પોરેટરોને ‘કોન્ટ્રાકટર’ ગીરીથી દુર રહી પ્રામાણિકતાથી કામ કરવા ટકોર કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. જેમાં કોર્પોરેટરોને પ્રજા અને કાર્યકરો વચ્ચે રહીને કામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી તેમજ જનતાના મેન્ડેટનો આદર કરી પ્રજાલક્ષી કામ કરવા માટે સૂચના કરાયું હતું. તેમણે કહ્યું હતું કે, કોર્પોરેટર તરીકે સારૂ કામ કરશો તો ભવિષ્યમાં ધારાસભ્ય અને સાંસદ બનવાની તક મળશે. લાંબી રાજકીય કારકિર્દી માટે પ્રમાણિકતાથી પ્રજાના કામ કરવા જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા નવા નિયમ તૈયાર કરવામાં આવ્યાં હતા. 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓ, રાજકીય આગેવાનોના સંબંધી અને 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને ટીકીટ આપવામાં આવી ન હતી. ટીકીટ ફાળવણીમાં યુવાનોને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું.