
CMનો પ્રજાજોગ સંદેશ, દેશમાં સર્વસમાવેશી, સર્વપોષી અને સર્વસ્પર્શી વિકાસની સંસ્કૃતિ વિકસી છે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા “મારી માટી મારો દેશ”નું અભિયાન ઉપાડ્યું છે. તેમણે 2014માં દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ દરેક નીતિ ઘડતરમાં – “નેશન ફર્સ્ટ”નો ભાવ અડગ રાખ્યો છે. દેશમાં વિકાસની રાજનીતિનો એક નવો ઈતિહાસ વડાપ્રધાને નવ વર્ષમાં રચ્યો છે. મુખ્યમંત્રીએ દેશની વિરાસતોનું ગૌરવ કરીને અને નાગરિક દાયિત્વ નિભાવીને એકતા-અખંડિતતા બરકરાર રાખીને માં ભારતીને પરમ વૈભવના શિખરે વિરાજિત કરવાનો સંકલ્પ કરવા સૌને આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીએ પાઠવેલ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતુ કે, સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ભારત ઊભું છે. બ્રિટિશરોની ગુલામી સામે જંગ છેડીને, સંઘર્ષ કરીને, લાઠી-ગોળી ખાઈને આપણી મા ભારતીને સ્વતંત્રતા અપાવનારા શહીદવીરો, ક્રાંતિવીરોનું પૂણ્ય સ્મરણ કરવાનો પણ આ અવસર છે. વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર સિંહ રાણા, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, આ દેશની માટીમાં આવા અનેક શૂરવીરો પાક્યાં છે જેમણે આપેલા બલિદાન અને ત્યાગની પરિપાટીએ ભારત આજે લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામ્યો છે. સશ્ય શ્યામલામ, મલયજ શીતલામ એવી ભારતભૂમિની મુક્તિ માટે ખપી ગયેલા વીરલાઓની વંદના કરવાની તક આ આઝાદી પર્વ આપણા માટે લાવ્યું છે.
મુખ્યમંત્રી પ્રજાજોગ સંદેશમાં વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની માટીમાં પાકેલા આવા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા “મારી માટી મારો દેશ”નું અભિયાન ઉપાડ્યું છે. 30 ઓગષ્ટ સુધી ચાલનારું આ અભિયાન આઝાદીના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ જાનદાર અને શાનદાર બનાવશે. દેશની માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપનારું આ અનોખું અભિયાન જન જનમાં રાષ્ટ્રભાવના ઝંકૃત કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ અભિયાનમાં દેશના અઢી લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને દેશની રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લાવી અમૃત મહોત્સવ સ્મારક અને અમૃત વાટિકાનું નિર્માણ થવાનું છે.ગુજરાત તો આઝાદી જંગમાં અગ્રેસર રહેલું રાજ્ય છે. આ જ ભૂમિના-આપણી જ માટીના સપૂતોની વંદના અને પુણ્ય સ્મરણ કરીને “મારી માટી મારો દેશ” અભિયાનને જ્વલંત સફળતા અપાવવાનો આપણો સંકલ્પ છે.
તેમણે ઉમેર્યુ હતું કે, સ્વરાજ્ય પ્રાપ્તિ માટેનો અહિંસક જંગ ગુજરાતના બે પનોતા પુત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર પટેલની આગેવાનીમાં ખેલાયો હતો. સ્વરાજ્ય મળ્યાના દાયકાઓ પછી હવે ગુજરાતની ધરતીના ગૌરવ સંતાન વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે સુરાજ્ય-ગુડ ગવર્નન્સનો આગવો પથ કંડાર્યો છે. આ વર્ષે વડાપ્રધાનના વડપણ નીચેની સરકારના નવ વર્ષ પૂર્ણ થયાં છે. દેશમાં વિકાસની રાજનીતિનો એક નવો ઈતિહાસ તેમણે આ નવ વર્ષમાં રચ્યો છે. હવે દેશમાં સર્વસમાવેશી, સર્વપોષી અને સર્વસ્પર્શી વિકાસની સંસ્કૃતિ વિકસાવી છે. દેશમાં તમામ નાગરિકો માટે સમાનતા અને તકો ઊભી કરવાના કમિટમેન્ટ સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહી છે. 2014માં દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ નરેન્દ્રભાઈએ દરેક નીતિ ઘડતરમાં – “નેશન ફર્સ્ટ”નો ભાવ અડગ રાખ્યો છે. કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં ગરીબ, વંચિત, પીડિત અને છેવાડાનાં માનવીના હિતને પ્રાથમિકતા આપી છે. જેમના માટે કલ્યાણકારી યોજનાઓનું નિર્માણ થાય તે યોજનાઓ 100 ટકા લાભાર્થી સુધી પહોંચે તેવો સેચ્યુરેશનનો નવતર વિચાર હવે દેશમાં કાર્યસંસ્કૃતિ બની ગયો છે. નવ વર્ષના તેમના સુશાસનમાં ભારત દેશ વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે. વંચિત વર્ગોનું સશક્તિકરણ હોય કે દેશનું સાંસ્કૃતિક સંરક્ષણ – ભારત આજે વિશ્વને માર્ગ ચીંધનારા રાષ્ટ્ર તરીકે ઊભરી આવ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાતને તો નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપનો લાભ બે-અઢી દાયકાથી મળતો રહ્યો છે. તેમનાં દૃષ્ટિવંત નેતૃત્વને પરિણામે ભારતને જી-ટ્વેન્ટી પ્રેસીડેન્સીની યજમાની મળી છે. ગુજરાતને પણ આ સમિટની 16થી વધુ બેઠકોનાં આયોજનનું ગૌરવ તેમણે અપાવ્યું છે. એમના જ કંડારેલા સુશાસન, ઈઝ ઓફ લિવિંગ અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ તથા સૌના વિશ્વાસના પથને હું અને મારી સરકાર કૃતજ્ઞતાપૂર્વક અવિરત આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છીએ.આઝાદીનું 77મું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મારે આપને કહેવું છે કે આ એક વર્ષમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ખેતી અને ખેડૂતોના વિકાસને અમે હંમેશા અગ્રિમતા આપી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય નિભાવખર્ચ યોજના હેઠળ 1.68 લાખથી વધુ ખેડૂતોને આશરે રૂ. 90 કરોડની સહાય આપી છે. રાજ્યમાં પોણા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.