
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકના પાટડી અને ધામા ગામમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગામનાં ભાગોળે ગાયોની દોડની હરિફાઇ યોજાઈ હતી.. બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે ગાયો દોડાવવામાં આવી હતી. આ અનોખી હરિફાઇમાં પ્રથમ આવનારા ગાયનાં ગોવાળને પાઘડી પહેરાવીને આગવી રીતે સન્માન પણ કરવામાં આવ્યુ હતું
સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારના પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની રાજા રજવાડાના પ્રાચિન સમયથી ચાલી આવતી અનોખી પરંપરા છે. ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. વિક્રમ સંવતનું વર્ષ આજે ડિજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે. આવી જ એક પ્રથા પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની છે. ગોવાળો સાથે ગાયો દોડાવવી એ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે. ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, આદરીયાણા જેવા ગામોમાં પણ જોવા મળે છે, પરંતુ આ વિસ્તારમાં પાટડી અને ધામા ગામની પ્રથા સૌથી જૂની હોવાનું માનવામાં આવે છે. બેસતા વર્ષે ગ્રામજનો એકબીજાને રામ રામ કરીને નવા વર્ષનો પ્રારંભ કરે છે.
આ અંગે ધામા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યે ગામના વિવિધ આગેવાનો ભેગા થઇ નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે જેને ગામેરુ કહેવામાં આવે છે. જેને આજકાલ ડાયરો પણ કહેવામાં આવે છે. અહીં આવી લોકો પોતાની રસપ્રદ વાતો અને ગ્રામ વિકાસ માટેના મંતવ્યો રજૂ કરે છે. ત્યારબાદ ડાયરાનો વિશાળ સમૂહ વાગતા ઢોલે ગામના ચોરાથી ગામના પાદરે આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે.
ધામા ગામના વડિલોના જણાવ્યાં મુજબ એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ભાવીક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. બપોર પછી પણ એક બીજાના ઘરે શુભેચ્છા આપવાનો, મળવાનો સિલસિલો શરુ થાય છે જે મોડી સાંજ સુધી ચાલે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ જોવા મળે છે.