
PSI અને LRDની ભરતી માટેની પરીક્ષામાં વિસંગતતા અંગે કોંગ્રેસે CMને પત્ર લખીને કરી રજુઆત
અમદાવાદઃ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષકદળ (LRD) ની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલા પરીક્ષાના નિયમોમાં અનેક વિસંગતતા જોવા મળી રહી છે. PSI ની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-A માં જ 100 માર્ક્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજિયાત છે. જ્યારે LRD ની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-A માં જ 60 માર્ક્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજિયાત છે. ગણિત અને રિઝનીગ વિષય ગુણભાર અંગે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરતા અનેક વિસંગતતા જોવા મળી રહી છે. અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિસંગતા દુર કરીને તમામને સમાન તક મળે તેવી માગ કરી છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. દોશીએ જણાવ્યું હતું કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષકદળ (LRD) ની ભરતી પરીક્ષામાં વિસંગતતા જોવા મળી રહી છે. બન્નેમાં ગણિત રિઝનિંગમાં 40 માર્ક્સ લાવવા ફરજિયાત છે. જ્યારે GPSC વર્ગ-1/2 ની પરીક્ષામાં 400 માર્ક્સની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ-રીઝનિંગ 50 માર્ક્સનું છે.એટલે કે 12.5 % નું વેઇટેજ છે, નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શન અધિકારીની 200 માર્ક્સની પરીક્ષામાં મેથ્સ-રીઝનિંગ ૨25 માર્ક્સનું છે. એટલે કે 12.5 % નું વેઇટેજ છે., જયારે પીએસઆઈના પેપરમાં મેથ્સ-રીઝનિંગ 100 માર્ક્સનું એટલે કે 100 % નું વેઇટેજ છે. જયારે એલ.આર.ડી.ના પેપરમાં મેથ્સ-રીઝનિંગ 60 માર્ક્સનું એટલે કે 75 % નું વેઇટેજ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં ગણિત વિષય માટે 15 થી 20% નું વેઇટેજ હોય છે. આમ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જોગવાઈ કરતા પણ વિસંગતતા જોવા મળી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ બિલકુલ અન્યાય અને અયોગ્ય છે. PSI વર્ણનાત્મક (ગુજરાતી-અંગ્રેજી) પેપરમાં ટોપિકને ફાળવેલા માર્ક્સની બાબત સામે પ્રશ્નાર્થ છે. ગુજરાતીમાં નિબંધ માટે 30 માર્ક્સ, પરીક્ષક તેની મરજી મુજબ વધારે કે ઓછા માર્ક્સ આપીને વિદ્યાર્થીઓને અન્યાયકર્તા બની શકે. ભાષાનાં બધાં જ પેપરો તે પછી નાયબ મામલતદાર હોય, જીપીએસસી 1-2 નાં હોય કે UPSC નાં હોય તેમાં વ્યાકરણનાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે જે, પીએસઆઈ પરીક્ષામાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કોઈનેય અન્યાય ન થાય તેવા તટસ્થ મૂલ્યાંકન માટે 70 માર્ક્સના ગુજરાતીના પેપરમાં નિબંધના 10 થી વધુ માર્ક્સ ન હોવા જોઈએ.