ઈસ્લામાબાદ, 8 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાજના સુરક્ષા સંબંધિત એક નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલા ભારે વિવાદ બાદ આખરે પંજાબ સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પંજાબની સૂચના મંત્રી અઝમા બુખારીએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, મુખ્યમંત્રીના નિવેદનને તેના મૂળ સંદર્ભમાંથી હટાવીને ખોટી રીતે રાજકીય અને પ્રાંતીય રંગ આપવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે મરિયમ નવાજનો ઈરાદો કોઈ પાડોશી દેશ પર નિશાન સાધવાનો નહોતો, પરંતુ આંતરિક સુરક્ષાના જોખમો તરફ ધ્યાન દોરવાનો હતો.
સૂચના મંત્રી અઝમા બુખારીએ લાહોરમાં એક એઆઈ હબના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા મરિયમ નવાજના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી પાડોશી દેશોની જગ્યાએ પોતાના જ દેશના અન્ય પ્રાંતોમાંથી પંજાબમાં પ્રવેશતા આતંકવાદીઓ અને સુરક્ષા જોખમો વિશે વાત કરી રહ્યા હતા. પંજાબ સરકાર રાજ્યની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે સતત પગલાં લઈ રહી છે. આ કડીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આતંકવાદીઓ પર નજર રાખતી ‘ક્રાઈમ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ’ એજન્સીનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
ગયા શનિવારે મરિયમ નવાજે નિવેદન આપ્યું હતું કે પંજાબ પ્રાંતને બહારના પાડોશી દેશોની તુલનામાં પોતાના જ દેશના પાડોશી રાજ્યો અને પ્રાંતીય સરહદોથી વધુ સુરક્ષા જોખમ છે. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ પંજાબમાં આંતરિક સરહદોના રસ્તે પ્રવેશે છે અને પંજાબ પર સૌની નજર રહે છે. આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ભારે રાજકીય હલચલ મચી ગઈ હતી અને કેટલાક વર્તુળો દ્વારા તેને ‘ઈન્ડિયા કાર્ડ’ સાથે જોડીને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો સરકાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.


