
ગુજરાતમાં વધુ એક રાજકીય આગેવાન થયા કોરોના સંક્રમિત, રાઘવજી પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- ટ્વીટર મારફતે કોરોના સંક્રમિત અંગેની જાણકારી આપી
- સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા મંત્રીએ કરી અપીલ
અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં અનેક રાજકીય મહાનુભાવો અને તબીબ સહિતના કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થયાં છે. દરમિયાન રાજ્યના વધુ એક મંત્રી રાઘવજી પટેલ પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયાં છે. તેમણે આ અંગે ટ્વીટ મારફતે જાણકારી આપી છે. એટલું જ નહીં તેમના સંપર્કમાં આવેલા લોકોને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોરોના રિપોર્ટ કરી લેવા માટે અપીલ કરી છે. તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. રાઘવજી પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસ રોકેટગતિએ વધી રહ્યાં છે એટલું જ નહીં દરરોજ સરેરાશ 20 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ સરહકાર દ્વારા પણ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે.