
ગાંધીનગર :મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટીમાં બનેલી રહેલા એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે, સાથે જ તેમણે ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમજ મહાત્મા મંદિર ખાતે શરૂ થનારી કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહિ થાય તેવું જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ત્રીજા વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે. બીજા વેવમાંથી અનુભવને આધારે એક્શન પ્લાન ઘડવામાં આવશે. રાજ્યમાં ૩૦૦ ટન ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવામાંથી સીધી જ રીતે ઓક્સિજન મેળવી શકાય એ માટેનો આ પ્લાન્ટ હશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સવારે અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી ગુજરાત જ નહીં દેશ આખાનું આકર્ષણ છે. રાજ્યના બાળકો યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાસા ને વધુ પ્રબળ બનાવવા સરકાર કટિબદ્ધ છે. સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પ્રકલ્પો એ તરફના જ કદમ છે. સાયન્સ સિટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેમણે સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની મુલાકાત લીધી હતી. આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં બનાવાયેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા જણાવ્યુ હતું કે, એપ્રિલમાં 14000 કેસ રોજના આવતા હતા. ગઈ કાલે 2500 કેસ આવ્યો છે. કેસ ઘટી ગયા છે એટલે હાલના તબક્કે આ હોસ્પિટલ ચાલુ કરવામાં નહિ આવે. જરૂર પડે ત્યારે હોસ્પિટલ ચાલુ કરવામાં આવશે. જરૂર પડે ત્યારે ૨૪ કલાકમાં હોસ્પિટલ ચાલુ કરી શકાશે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક સમયે 500 બેડ ઓક્યુપાય હતા. કોરોના ઉપર સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો હોવાનો તેમણે દાવો કર્યો. સાથે જ તેમણે કહ્યું કે, જોકે કોરોના પૂરો થઈ ગયો હોય એવું આપણે માનતા નથી. તેમણે કહ્યું કે, વેક્સિનેશન મોટાપાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત થાય ત્યારે આપણે બહાર નીકળી શકશું. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશનમાં 45 થી ઉપરના લોકોનો ફર્સ્ટ ડોઝ ચાલુ છે. બીજો ડોઝનો વારો આવે ત્યારે બીજો ડોઝ આપવામાં આવશે. 18 થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપશે, જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે. રજિસ્ટ્રેશન જે રીતે થાય છે એ રીતે વારો આવતા લોકો સવા લાખ લોકોને વેક્સિનેશન વિનામૂલ્યે આપવામાં આવે છે. વેક્સિન માટે ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વ્યવસ્થા કરી આપી છે. વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ સીધી ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વેક્સિન આપી શકે છે. તેના આધારે ખાનગી હોસ્પિટલો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.