
અમદાવાદઃ ગુજરાતમાં તમામ એસટી બસ તેમજ એસટી બસ સ્ટેશનો પર પુરતી સ્વચ્છતા જાળવવામાં આવે અને નિયમિત સફાઈ થાય તેની એસ ટી નિગન દ્વારા ડેપો મેનેજરોને સુચના આપવામાં આવી છે. અને હવે એસટી બસો અને એસ ટી બસ સ્ટેશનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે, સ્વચ્છતા ન રાખવા માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની પણ ચીમકી આપવામાં આવી છે. એસટી ડેપોની અંદર સફાઈના મામલે ચાલતી લાલીયાવાડીને પગલે એસટી નિગમે લાલ આંખ કરી છે. ડેપોના શૌચાલયો તેમજ ડ્રાઇવર કંડક્ટરના રૂમ, મુસાફરો બેસવાની જગ્યા સહિતના વિસ્તારોમાં ગંદકી હોવાનું અધિકારીઓની આકસ્મિક મુલાકાતમાં બહાર આવ્યું છે. આથી રાજ્યના તમામ ડેપોમાં નિયમિત સ્વચ્છતા જાળવવાનો આદેશ એસટી નિગમે કર્યો છે.
એસ ટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ એસટી ડેપોમાં સ્વચ્છતા જળવાય તે માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે કોન્ટ્રાક્ટ આપવા છતાં અનેક ડેપોમાં ગંદકી, અસ્વચ્છતાની ફરિયાદો ઊઠી હતી. તેમજ એસટી નિગમના અધિકારીઓની આકસ્મિક મુલાકાત દરમિયાન પણ એસટી બસ સ્ટેશનોમાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતા આ અંગેનો રિપોર્ટ અધિકારીઓએ એસટી નિગમને કર્યો હતો. એસટી ડેપોના શૌચાલયો તેમજ બસ સ્ટેન્ડોમાં ડ્રાઇવર કંડક્ટરના રૂમ, ડેપો ની ઓફિસ, પ્લેટફોર્મ, સર્ક્યુલેશન વિભાગ, પાણીની પરબની આસપાસનો વિભાગ સહિતના અનેક જગ્યાએ ગંદકી જોવા મળી હતી. ઉપરાંત વેઇટિંગ વિભાગમાં સ્લેબ સહિતની જગ્યાએ ઝાળાં જોવા મળ્યા હતા. ઉપરાંત ડેપોના દરેક પ્લેટફોર્મ વાઇસ ડસ્ટબીન પણ મૂકવામાં આવ્યા નહીં હોવાથી અથવા તો ડસ્ટબીનની નિયમિત સફાઈ નહીં થતી હોવાનું પણ અધિકારીઓની આકસ્મિક તપાસમાં ધ્યાનમાં આવ્યું હતુ.. જેથી નિયમિત સફાઈ કરવા સહિતની તકેદારી રાખવા એસટી નિગમે ડેપોના મેનેજરોને સૂચના આપી છે. હવે તમામ એસટી બસો અને એસટી બસ સ્ટેશનોની સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. જેમાં ગંદકી જોવા મળશે તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવશે.