
શ્રેષ્ઠ-સંસ્કારી બાળક નિર્માણથી શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય છે : આચાર્ય દેવવ્રતજી
અમદાવાદઃ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બહુઆયામી ભારતીય રમકડાના પુનર્નિર્માણ અને સંવર્ધન હેતુ સ્થાપિત ટૉય હાઉસ-રવિ (રમકડા વિજ્ઞાન)નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમને કહ્યું કે, બાળક આપણી પૂંજી છે. શ્રેષ્ઠ-સંસ્કારી બાળક નિર્માણથી શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. વિશ્વ કલ્યાણનો આ જ માર્ગ છે. બાળકો રમત-રમતમાં જ્ઞાન મેળવતા હોય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગર્ભ સંસ્કારથી લઈને સારા સંસ્કારી મનુષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.
ગાંધીનગરના સેક્ટર-૨૦ માં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કેમ્પસમાં બી.પી.સી.એલ.ના સૌજન્યથી નિર્મિત રવિ-રમકડા વિજ્ઞાન ટૉય હાઉસમાં બાળકોને રમતાં-રમતાં શિક્ષણ અને જ્ઞાન મળે એવા સાધનો અને ઉપકરણો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ટૉય હાઉસના તમામ ખંડોની મુલાકાત લઈને બાળકો અને માતાઓ સાથે ગોષ્ઠિ કરી હતી. તેમણે દેશી રમતો, માટીકામ, સુથારીકામ અને પપેટ્રી જેવી કળાઓથી નિર્મિત રમકડાંનું નિદર્શન નિહાળ્યું હતું.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં બાળ મનોવિજ્ઞાનને સમજવાની આવશ્યકતા છે. સર્વાંગી વિકાસ અને પ્રગતિના પાયામાં મનુષ્યનું સુખ અને તેની જરૂરિયાતો છે. જો મનુષ્ય યોગ્ય અને સંસ્કારી હશે તો વિકાસ અને પ્રગતિથી સમગ્ર વિશ્વ માટે સુખનું વાતાવરણ સર્જશે. માનવીય મૂલ્યો, ઉદારતા, સહિષ્ણુતા, પ્રેમ અને કલ્યાણની ભાવના હોય એવા મનુષ્યનું નિર્માણ કરીશું તો આ દુનિયાને સ્વર્ગ બનાવી શકીશું.
બાળકોના ઉછેરમાં સોળ સંસ્કારોનું સવિશેષ મહત્વ છે એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, તમામ આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ અને જયેષ્ઠ આશ્રમ છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઉપકારક હોય એવા બાળક-સંતતિને જન્મ આપવા માતા-પિતાએ સચેત અને જવાબદાર બનવું જોઈએ. માતા-પિતાના સંસ્કારો અને સંરક્ષણથી બાળક સદાચારી, જીતેન્દ્રિય, પરોપકારી અને સૃષ્ટિ માટે કલ્યાણકારી બને છે. યોગ્ય વયે રમકડાં પણ બાળકના શિક્ષણ અને સંસ્કારમાં મહત્વનું યોગદાન આપે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા બાળકો પ્રસન્નતાપૂર્વક વિદ્યા પ્રાપ્તિ કરી શકે એ માટે રવિ-ટૉય હાઉસનું નિર્માણ કરાયું છે તે પ્રશંસનીય છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલે કહ્યું હતું કે, બાળકો જન્મ પહેલાં માતાના ગર્ભમાં અને પછી યોગ્ય વર્ષ સુધી રમકડાંના માધ્યમથી શિક્ષણ અને જ્ઞાન મેળવતા હોય છે. બાળ ઉછેરમાં રમકડાં મહત્વનો ભાગ ભજવે છે, એ મનોવિજ્ઞાનનું મહત્વ સમજીને પીએમ નરેન્દ્ર મોદીએ ટૉય હાઉસ અને ટૉય બેંકના વિચારો આપ્યા.