
2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો પણ સમાવેશ,સત્તાવાર રીતે થઈ પુષ્ટિ
મુંબઈ: ક્રિકેટને સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028ના કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે T20 ફોર્મેટમાં રમાશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ સોમવારે LA ગેમ્સ માટે પુરૂષો અને મહિલા સ્પર્ધાઓ તેમજ અન્ય ચાર રમતોનો સમાવેશ કરવા માટે મતદાન કર્યું હતું.ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના એક્ઝિક્યુટિવ બોર્ડે ગયા અઠવાડિયે લોસ એન્જલસ ગેમ્સના આયોજકોના કાર્યક્રમમાં રમતને ઉમેરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. ક્રિકેટ ઉપરાંત અન્ય ચાર રમતોમાં બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશ – મિશ્રિતનો સમાવેશ થાય છે.
આઇઓસીના પ્રમુખ થોમસ બેચે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ક્રિકેટ અને અન્ય ચાર રમતોનો સમાવેશ – માત્ર લોસ એન્જલસ ગેમ્સ 2028 માટે – એ અમેરિકન રમતગમત સંસ્કૃતિ અને યુ.એસ.માં નવા એથ્લેટ્સ અને ચાહક સમુદાયો સાથે જોડાવા માટેનો માર્ગ છે. વિશ્વ સ્તરે ઓલિમ્પિક ચળવળનું પણ સન્માન કરશે. બેચે 13 ઓક્ટોબરે બે દિવસીય એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકના સમાપન પછી મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, ‘અમે ક્રિકેટની વધતી લોકપ્રિયતા ખાસ કરીને T20 ફોર્મેટ જોઈ રહ્યા છીએ.
લોસ એન્જલસ ગેમ્સ આયોજક સમિતિએ યુનાઇટેડ સ્ટેટ્સ યજમાન રાષ્ટ્ર તરીકે મેદાનમાં ઊતરવાની સાથે પુરૂષો અને મહિલા T20 ક્રિકેટ બંનેમાં છ-ટીમની ઇવેન્ટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ટીમોની સંખ્યા અને ક્વોલિફિકેશન સિસ્ટમ અંગેનો અંતિમ નિર્ણય પછીથી લેવામાં આવશે.IOC પ્રમુખ બાચે કહ્યું હતું કે, ‘અમે ICC સાથે એ જ રીતે કામ કરીશું જે રીતે અમે તમામ રમતો સાથે કરીએ છીએ. અમે અહીં વિવિધ રાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝીઓ સાથે કામ કરી રહ્યા નથી, અમે સંબંધિત આંતરરાષ્ટ્રીય ફેડરેશનો સાથે કામ કરી રહ્યા છીએ અને સમગ્ર વિશ્વમાં ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે ઓલિમ્પિક કાર્યક્રમમાં આનો સમાવેશ કેવી રીતે કરવો. સમાવેશનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તેમના મંતવ્યો મેળવવા આતુર છીએ.