
મણિપુરના જીરીબામ જિલ્લામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ કર્ફ્યુ યથાવત
નવી દિલ્હીઃ મણિપુરના અશાંત જીરીબામ જિલ્લામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાદવામાં આવેલ કર્ફ્યુ આજે પણ ચાલુ છે. જિલ્લામાં તૈનાત વધારાના સુરક્ષા દળોએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને વિવિધ સમુદાયો વચ્ચેની અથડામણને રોકવા માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરી રહ્યા છે.
મણિપુરની સરહદે આવેલા જીરીબામ શહેરમાં ખેડૂતનો મૃતદેહ મળી આવતાં બે સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો અને ગુરુવારે રાત્રે જિલ્લા મેજિસ્ટ્રેટે કર્ફ્યુ લાદી દીધો હતો. ખેડૂતના શરીર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન હતા. તોફાની તત્વોએ જિલ્લામાં કેટલાક મકાનો અને સરકારી મિલકતોને આગ ચાંપી દીધી હતી. હિંસા પ્રભાવિત ગામોના લોકોને સરકારી રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.
દરમિયાન, જીરીબામ જિલ્લાના નવા વરિષ્ઠ પોલીસ અધિક્ષકે ચાર્જ સંભાળ્યો છે અને તેઓ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે જિલ્લામાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.