
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે. જેમાં જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 2015 અને 2017 બાદ પ્રથમવાર છલોછલ ભરાતા દાંતીવાડા ડેમના દરવાજા પાંચ વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં અવિરતપણે પાણીની આવક ચાલુ થતા દાંતીવાડા ડેમ છલોછલ ભરાયો છે. ડેમનો એક દરવાજા ખોલતા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદની પડતા બનાસ નદી ગાડીતૂર બની હતી, રાજસ્થાનના માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ થતા દાંતીવાડા ડેમનું લેવલ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે દાંતીવાડા ડેમનું લેવલ 600 ફૂટે પહોંચતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદ પડતા પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં આવેલા અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટીયા નજીક વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જેને લઈ સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં પાલનપુરમાં ત્રણ ઈંચ, અમીરગઢમાં બે ઈંચ, તથા દાંતા અને વડગામ સહિતના વિસ્તારમાં સારોએવો વરસાદ પડ્યો હતો.
પાલનપુરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના અમદાવાદ હાઇવે ઉપર આવેલા ગઠામણ પાટીયા નજીક વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, નગરપાલિકાને જાણ કરવા છતાં પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી.