
દિલ્હી: 18 મી જાન્યુઆરીથી ધો. 10 અને 12ના વર્ગો શરૂ, બાળકો માતા-પિતાની સંમતિથી જ જઈ શકશે સ્કૂલે
- 18 મી જાન્યુઆરીથી ધો. 10 અને 12 ના વર્ગો શરૂ
- બાળકો માતા-પિતાની સંમતિથી જ જઈ શકશે સ્કૂલે
- કોવિડના નિયમોનું ચુસ્તપણે કરવું પડશે પાલન
દિલ્લી: કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.ત્યારે હવે 10 મહિના બાદ સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થઇ રહી છે.દિલ્હીમાં 18 જાન્યુઆરીથી ધો. 10 અને 12 ના બાળકો માટે શાળા ખોલવામાં આવશે.જો કે, તેના માટે માતાપિતાની મંજૂરી જરૂરી રહેશે.
દિલ્હી સરકારે પોતાના આદેશમાં કહ્યું છે કે, સરકારી શાળાઓ, બિન સરકારી અને સરકારી સહાયક શાળાઓ પ્રી-બોર્ડ પરીક્ષાઓ અને પ્રાયોગિક પરીક્ષાઓ લેવા માટે દસમા અને બારમા ધોરણના બાળકોને બોલાવી શકે છે. પરંતુ આ માટે માતાપિતાની મંજૂરી આવશ્યક છે.
આ દરમ્યાન શાળાએ આવતા બાળકોનો રેકોર્ડ રાખવો જરૂરી રહેશે,અને તેનો અટેન્ડેન્સ તરીકે ઉપયોગ કરવામાં આવશે નહીં, કારણ કે શાળાએ આવતા બાળકો અથવા નહીં આવતા માતાપિતાની ઇચ્છા પર સંપૂર્ણ નિર્ભર રહેશે.
શાળાઓમાં કોવિડના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. શાળામાં સેનિટાઈઝેશન, નિયત શારીરિક અંતર, માસ્ક પહેરવાનું જેવા અન્ય નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ પણ આ અંગે ટવિટ કર્યું છે, ‘દિલ્હીમાં સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ અને પ્રેક્ટિકલ્સને ધ્યાનમાં રાખીને 18 જાન્યુઆરીથી 10 અને 12 ના વર્ગ માટે પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ, કાઉન્સિલિંગ વગેરે માટે શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી રહી છે. બાળકોને ફક્ત માતાપિતાની સંમતિથી બોલાવી શકાય છે. બાળકોને આવવાની ફરજ પાડવામાં આવશે નહીં.
-દેવાંશી