દિલ્હી-NCR : હળવા વરસાદ છતાં AQI 400ને પાર
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે. શુક્રવારે થયેલા હળવા વરસાદ છતાં પ્રદૂષણના સ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400ને પાર પહોંચી જતાં હવા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ છે. પ્રદૂષણની સાથે સાથે હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.
હવામાન નિષ્ણાતોના મતે વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી અને પવનની ગતિ ધીમી રહેતા હવામાં રહેલા પ્રદૂષિત કણો જમીન પર બેસવાને બદલે વાતાવરણમાં જ અટવાઈ ગયા છે. દિલ્હીના આનંદ વિહારમાં AQI 425, નેહરુ નગરમાં 428 અને ચાંદની ચોકમાં 408 નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે રાજધાનીની હવા અત્યંત ઝેરી બની ગઈ છે. દિલ્હીના નહેરુનગરમાં 428, આનંદ વિહારમાં 425, ચાંદનીચોકમાં 409, આર.કે.પુરમમાં 392 અને પૂસામાં 383 AQI નોંધાયો હતો.
- નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સ્થિતિ ગંભીર
માત્ર દિલ્હી જ નહીં, પરંતુ પડોશી શહેરોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં AQI 432 પર પહોંચી ગયો છે, જે સમગ્ર NCRમાં સૌથી વધુ છે. નોઈડાના સેક્ટર-1માં પણ આ આંકડો 397 નોંધાયો છે.
- ઠંડી અને ધુમ્મસનો કહેર વધશે
હવામાન વિભાગ અનુસાર, 10 જાન્યુઆરીએ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું હતું. આગામી 11 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે. જોકે 11 અને 12 જાન્યુઆરી માટે કોઈ સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સવાર-સાંજ ધુમ્મસ યથાવત રહેશે.
આ પણ વાંચોઃGCCI દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન, સાયબર નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન


