
આણંદઃ મધ્ય ગુજરાતમાં ખેડુતોએ વાવાણી માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જેમાં ચરોતર પંથકમાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે જૂનના બીજા સપ્તાહ સુધી વરસાદ વરસ્યો નથી. આગામી એક સપ્તાહ સુધી વરસાદની સંભાવના નહીંવત છે.ત્યારે ચોમાસુ ડાંગરની રોપણી માટે ધરૂવાડિયા તૈયાર કરવાનો સમય પાકી ગયો છે. હાલમાં કૂવા અને બોરના પાણીથી ધરૂવાડિયા તૈયાર કરવામાં આવે તો પીળુ પડી જવાની સંભાવના છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા ડાંગરના ધરૂવાડિયા માટે કેનાલમાંથી સિંચાઇના પાણી આપવાની સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ચરોતર પંથકમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન બાદ જોર ધીમું પડી ગયું છે. માત્ર વલસાડ. નવસારી અને સુરત જિલ્લામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. બીજી બાજુ ખેડુતોએ ડાંગરની વાવણી માટે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે કેનાલોમાંથી ધરૂવાડિયામાં પાણી છોડવામાં આવે તો ખેડુતો ડાંગરની રોપણી કરી શકે તેમ છે. આ અંગે ખેડુતોએ સિંચાઈ વિભાગને રજુઆતો કરી છે. પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા 25મી જૂનથી કડાણા ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે.એવું કહી રહ્યા છે.
ભારતીય કિશાન સંધ પ્રમુખ બળવંતસિંહ પરમાર, અજીતસિંહ પરમાર, રણજીતસિંહ પરમાર સહિતના આગેવાની ઉપસ્થિતિમાં ખેડૂતોની બેઠક મળી હતી. આ બેઠકમાં સિંચાઈનું પાણી 15 જૂનથી 20 જૂન દરમિયાન છોડવાની તેમજ નર્મદા ડેમ યોજના હેઠળ ચરોત્તર વિસ્તારનો સમાવેશ કરવાની માગ કરવામાં આવી હતી. આ બેઠકમાં કેનાલ વિસ્તારની આજુ બાજુ ઝાડી ઝાંખરા કાપવા, તેમજતનહેરના પાળા ઉપર ડામરના પાકા રોડ બનાવવા વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય કિશાન સંઘ દ્વારા દંડક સહિત ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરીને ખેડૂતોના હિતમાં સરકાર સમક્ષ રજૂઆત પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો,