
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ઘણા સમય બાદ TET 1-2 પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. શાળાઓમાં ટેટની પરીક્ષાના મેરીટના આધારે વિદ્યાસહાયકો તરીકે નિમણુંકો કરવામાં આવતી હોવાથી બીએડ કે પીટીસી થયેલા વિદ્યાર્થી માટે ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા મહત્વની છે. ત્યારે બીએડના અંતિન વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ટેટની પરીક્ષા આપવા માટે લાયક ગણવાની માગ કરી છે. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે.
રાજ્યના શિક્ષક વિભાગ દ્વારા TET 1-2 પરીક્ષા જાહેર કરવામાં આવી છે. પરંતુ બીએડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાની ABVPએ માંગણી કરી છે.નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના પરિપત્ર મુજબ આગામી દિવસોમાં TET 1-2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે, જેમાં બીએડના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ TET 1-2ની પરીક્ષા આપી શકે તે પ્રકારની માંગ વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા કલેક્ટર મારફતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ABVPના પ્રદેશ મંત્રી યુતિ પ્રદીપે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પરિષદ છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ TET-1 અને TET-2ની પરીક્ષા માટે માંગ કરી રહ્યું હતું. સરકાર દ્વારા ટેટની પરીક્ષા જાહેર કરવાના નિર્ણયનું વિદ્યાર્થી પરિષદ સ્વાગત કરે છે અને આ પરીક્ષામાં બી.એડમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને તે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો મોકો મળી રહે તે માટે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતના જિલ્લા કેન્દ્ર પર આ વિષયને લઈને રજૂઆત કરવામાં આવેલી છે