
કેદારનાથ મંદિરમાં ભક્તો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી શકશે નહીં,મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ
દહેરાદુન:તાજેતરમાં અનેક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં આવેલા કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશવા, ફોટોગ્રાફ લેવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરની વ્યવસ્થા માટે જવાબદાર બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ અંગેના બોર્ડ લગાવ્યા છે.
કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી આ સંબંધમાં ધામમાં વિવિધ સ્થળોએ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે જો કોઈ ભક્ત કેદારનાથ મંદિરની અંદર ફોટો ખેંચશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ બોર્ડમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરો, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છો. અન્ય કેટલાક બોર્ડમાં મંદિર અને મંદિર પરિસરમાં માત્ર સાધારણ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે અન્ય બોર્ડમાં મંદિર પરિસરમાં ટેન્ટ કે કેમ્પ લગાવવો એ સજાને પાત્ર ગુનો હોવાનું જણાવાયું છે.
તાજેતરમાં ગઢવાલ હિમાલયમાં સ્થિત કેદારનાથ મંદિરમાં બનેલા આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા, જેના વિશે તીર્થયાત્રીઓથી લઈને સામાન્ય ભક્તો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ધાર્મિક સ્થળોમાં આવા કૃત્યોને ખોટું ગણાવીને વખોડવામાં આવ્યા હતા.
BKTCએ પોલીસને એક પત્ર પણ લખીને મંદિર પરિસરમાં તકેદારી રાખવા અને વિડિયો વાયરલ કરનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું. BKTCના ચેરમેને કહ્યું કે ધામમાં હજુ સુધી ક્લોક રૂમની વ્યવસ્થા નથી.