
સુરતના પાંડેસરામાં લાલ, દૂર્ગંધ મારતા પાણીનું વિતરણ, રજુઆત છતાં મ્યુનિ.તંત્ર નિષ્ક્રિય
સુરતઃ શહેરના પાંડસરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી લાલ અને દૂર્ગંધ મારતું ગંદુ પાણી નળ દ્વારા મળતું હોવાની સ્થાનિક લોકોમાં ફરિયાદો ઊઠી છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. દૂષિત પાણીને લીધે આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે.
શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારના લોકોએ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. મ્યુનિ.ના કર્મચારીઓ વિઝીટ કરીને જતા રહે છે. પણ દુષિત પાણી ક્યાથી આવે છે, તેની તપાસ કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં આશરે ચાર લાખ લોકો રહે છે. આ કલરયુક્ત અને દુર્ગધ મારતું પાણી પીવાથી રોગચાળો પણ વકરી રહ્યો છે.
સુરત શહેરમાં થોડા દિવસો પહેલાં ખાડીપૂર આવ્યું હતું, ત્યારબાદ પાંડેસરા વિસ્તારમાં દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. પાંડેસરા વિસ્તારના નાગસેનનગર અને આર્વિભાવ સોસાયટીમાં દૂષિત પાણી આવી રહ્યું છે. નળમાંથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવતાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. એક તરફ રોગચાળો અને એમાં પણ આ પ્રકારનું લાલ કલરનું પાણી આવતાં સ્થાનિક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકોએ કહી રહ્યા છે. સ્થાનિક લોકોએ કોર્પોરેટરને પણ જાણ કરી છે અને મ્યુનિ.કોર્પોરેશનને પણ ફરિયાદ કરી છે. અહીં મ્યુનિ.ના કર્મચારીઓ દરરોજ આવે છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.